________________
૨૭૮
પત્રાંક-૫૬૯
રાજહૃદય ભાગ-૧૧
મુંબઈ, ફાગણ વદ ૩, ૧૯૫૧
શ્રી સત્પુરુષોને નમસ્કાર
સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચારબળપ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી.
આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.
જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે.
સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.
જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.
કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી.
અન્યપરિણામમાં જેટલી તાદાત્મ્યવૃત્તિ છે, તેટલો જીવથી મોક્ષ દૂર છે. જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે.
વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્યપરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. અસત્સંગપ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીનસત્ત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો