________________
૨૬૦
રાજહૃદય ભાગ-૧૧ કહેવાય છે, આત્માના હિતના લક્ષે જે વિચારવામાં આવે છે એને સદ્વિચાર કહેવામાં આવે છે. સદ્વિચાર કોને કહેવો? કે જેમાં આત્મહિતનું લક્ષ છે એને સદ્વિચાર કહીએ. જેને આત્મહિતનું લક્ષ નથી તે સદ્વિચાર નથી. પછી એ ગમે તેવો આદર્શ બતાવે કે ગમે તેવી વાત બતાવે પણ એમાં સદ્વિચારનો અંશ નથી.
સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ-પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિચિત્માત્ર સંશય નથી.” અહીંયાં આ એક વાત જરા ઊંડી કરી છે. જીવને વિચાર કરવાની શક્તિ છે. વિચાર કરી પણ શકે છે કે આ બરાબર નહિ, આ બરાબર, આ સારું, આ સારું નહિ. એટલો વિચાર કરીને) અમલમાં મૂકવાનું જે બળ જોઈએ, બળ પ્રવર્તવું જોઈએ તે બળ કેમ પ્રવર્તતું નથી ? એની એક બહુ સુંદર વાત કરી છે, કે એનું કારણ અસત્સંગ છે. એવા પ્રસંગમાં જીવ ઊભો છે કે જેનો સંગ કરવો ન જોઈએ એનો સંગ કરે છે અને એ કારણે એને વાત વિચારમાં આવતી હોવા છતાં એ વિચારનું બળવાનપણું, એ વિચારને કાર્યાન્વિત કરે એવું પ્રબળપણું વિચારબળ ઉત્પન્ન કરતું નથી. ખ્યાલ આવે કે આ વાત બરાબર છે. જો એ બરાબર હોય તો તમે એમ કરો. એ બાબતની અંદર એ જીવ પાછો પડે છે. આગળ વધવાને બદલે પાછો પડે છે એનું કારણ એના પરિણામ અસત્ પ્રસંગને વિષે રૂચિવાળા છે. અસત્સંગને વિષે એના પરિણામ જે રુચિ કરે છે, કોઈ અપેક્ષાબુદ્ધિથી, કોઈ કારણથી, કોઈ માનેલો લાભ છે, કોઈ માનેલો સંબંધ છે, કોઈ માનેલું એવું કારણ છે કે જેને લઈને એ અસત્સંગનો ત્યાગ કરતો નથી અને એને કારણે એનું વિચારબળ છે એ પ્રવર્તતું નથી. આ એક બહુ સુંદર વાત કરી છે કે જે મુમુક્ષુજીને લક્ષમાં રાખવા જેવી છે. આ કારણે વાત સમજાવા છતાં એ વાતનો અમલ કરવામાં આ જીવને મુશ્કેલી પડે છે એનું કારણ આ છે કે એને અસત્સંગ ક્યાંકને ક્યાંક વર્તે છે.
એમાં કિંચિત્માત્ર સંશય નથી.” એમ કહે છે. આ વાત અમારી અનુભવસિદ્ધ છે. એમાં કોઈ સંશય દેખાતો નથી. એટલી વાત કરી એમણે આત્મજ્ઞાન થવા અર્થે.
મુમુક્ષુ - બહુ ગંભીરતાથી વાત કરી છે.
પૂજ્ય ભાઈશ્રી – આત્મજ્ઞાન છે એ સર્વોત્કૃષ્ટ બધા જ દુઃખ મટાડવાનો જો ઉપાય છે તો એ આત્મજ્ઞાન કેવી રીતે થાય? શું કારણથી થાય?કે સદ્વિચારથી થાય. પણ સવિચાર તો અમે કરીએ છીએ. શાસ્ત્ર વાંચીએ છીએ, સત્સંગ કરીએ છીએ (છતાં) કેમ આત્મજ્ઞાન થતું નથી ? કે અસત્સંગની, અસપ્રસંગની જે રુચિ છે ત્યાં જે ઉદાસીનપણું આવવું જોઈએ, નિરસપણું આવવું જોઈએ એ આવતું નથી. હવે જેટલો