________________
૨૪૬
રાજહૃદય ભાગ-૧૧
નૈતિકતા છૂટી જાય છે. વ્યવહારિક નીતિ પણ છૂટી જાય છે. અને એ તો સજ્જન માણસો પણ વ્યવહા૨નીતિને છોડતા નથી. જ્ઞાનીઓ તો કેમ છોડે ? એમ કહ્યું છે. જ્યાં સજ્જનો પણ વ્યવહારમાં અનીતિ કરતા નથી તો જ્ઞાની કેમ કરે ? એવો ભંગ કરતા નથી.
અને તેમ વિચારી જો દયા ઉપકારાદિ કારણે...' કોઈએ પોતાના ઉપર ઉપકાર કર્યો છે. એમણે આશ્વાસન આપ્યું કે હું આ ધંધો ચલાવીશ. ત્યારે તો બીજાએ મૂડી રોકી છે. હવે એ ઉલાળ્યો કરે, કે તમારી મૂડીનું જે થાવું હોય એ થાય, મારે તો હવે કાંઈ નથી. હું કાલથી દુકાને આવવાનો નથી. દુકાને આવે નહિ અને પાછા ખર્ચ માટે પૈસા દુકાનેથી લે. શું કરે ? એ તો ઉપકારનો ભંગ કરવા જેવું છે, બીજાના સ્વાર્થનો ભંગ કરવા જેવું છે. એ વિચારી... એટલે શું છે કે પોતે નિવૃત્ત થયા છે તો પહેલી માગણી એ કરી છે કે મારો ભાગ છોડી દો. ધંધામાંથી મારો ભાગ તમે કાઢી નાખો. મારે ભાગ પણ લેવો અને કામ પણ ન કરવું આ તો નીતિવાળી વાત નથી. એટલે માગણી જ એ રીતે એમણે કરી છે. હવે જો ઉપકારાદિ કારણે પાછી કોઈક રાગની પ્રવૃત્તિ રાખીએ છીએ તો આત્માને ક્લેશ થાય છે. વિવેકીના ચિત્તમાં ક્લેશ થયા વિના રહે નહિ. મારે કયાં સુધી આમને આમ ચલાવવું છે ? હજી આ પ્રવૃત્તિ અને હજી આ રાગ કયાં સુધી ? આમ ને આમ કેટલું લંબાવવું છે ? એ લંબાય છે એ અમને પોસાતું નથી.
ક્લેશ પણ થયા વિના રહેવો ન જોઈએ,...' એને અવશ્ય ક્લેશ થવો જોઈએ. એટલે જીવને એનો નિષેધ આવવો જ જોઈએ. હું બરાબર કરું છું એમ નથી. એનો નિષેધ એને આવવો જ જોઈએ. ‘ત્યારે તેનો વિશેષ વિચાર કયા પ્રકારે કરવો ?” તો આ વિષયમાં હવે કેવી રીતે રસ્તો કાઢવો ? આ એક તમારી સામે અમે પ્રશ્ન મૂકીએ છીએ. કે આમાં રસ્તો કેવી રીતે કાઢવો ? એ રીતે ૫૬૬માં પત્રમાં પોતાની અંદરમાં ચાલતું જે દ્વંદ્વ છે અથવા વિવેકમલ્લની જે લડાઈ છે, વર્તમાન રાગાદિ જે ઉપસ્થિત છે એની સામે જે વિવેકની લડાઈ છે, એ પોતે વ્યક્ત કરી છે.
મુમુક્ષુ :– બે પ્રશ્ન આવ્યા. પહેલા પ્રશ્નનો જવાબ તો પોતે ને પોતે જ આપી દીધો
છે.
પૂજ્ય ભાઈશ્રી :– પોતે આપી દીધો છે. પછી આ પ્રશ્ન ઊભો રાખ્યો છે પાછો, કે હવે શું કરવું ? એક બાજુથી ચાલતા પરિણામનો ક્લેશ થાય છે. બીજી બાજુથી મૂકી દઈએ તો અમને લાગે છે કે ન્યાય સચવાતો નથી. ત્રીજી બાજુથી સર્વસંગપરિત્યાગ હજી થતો નથી. સર્વસંગપરિત્યાગ કરવા માટે વારંવાર ભાવના આવે છે. કરીએ શું ?