________________
૯૪
રાજહૃદય ભાગ-૧૧
પરિણામથી, પરની આજીવિકાનો ભંગ થાય છે તે જાણ્યા છતાં, રાજકાજમાં અલ્પ કારણમાં વિશેષ સંબંધ કરવા યોગ્ય નહીં તે થાય એવું કારણ છતાં, જેમાં તુચ્છ એવા દ્રવ્યાદિનો પણ વિશેષ લાભ નથી છતાં તે માટે ફરી ફરી લખવાનું થાય છે તે શું યોગ્ય છે ? તેવા વિકલ્પને તમ જેવા પુરુષો મોળો નહીં પાડી શકે, તો આ દુષમકાળમાં કોણ સમજીને શમાઈ ૨હેશે ?” “સોભાગભાઈ’ને કોઈ આર્થિક બાબતમાં ‘શ્રીમદ્જી’ના ભાગીદાર ‘માકુભાઈ’ કરીને હતા, ‘માણેકલાલભાઈ’ ‘વડોદરા’ના, એમને કોઈ પત્ર લખ્યો હશે. એ પત્રનું એમણે વર્ણન કર્યું છે, કે તમે અધીરજથી કાગળ લખ્યો છે, તમારા પરિણામમાં ઘણું આર્તધ્યાન દેખાય છે. બીજાની આજીવિકાનો ભંગ થાય છે એવો પણ એની અંદર કોઈ પ્રકાર ઊભો થયો છે. વળી રાજકાજમાં એટલે રજવાડાની કોઈ વાત હશે, તો એમાં પણ કોઈને કાંઈ મુશ્કેલી પડે એવું હશે, કદાચ રાજા એને કાઢી મૂકે, કે એની આજીવિકાનો ભંગ થાય. અને તમને પાછો કોઈ ખાસ પૈસાનો લાભ છે નહિ. સામાન્ય લાભ છે. ‘તુચ્છ એવા દ્રવ્યાદિ...’ અથવા ઘણો લાભ હોય તો એ લાભ તુચ્છ છે એમ કહે છે. દ્રવ્યાદિનો લાભ તો તુચ્છ છે. છતાં ફરી ફરીને તમે લખો છે, એ બિલકુલ સારું નથી. જુઓ ! જ્ઞાની છે. સોભાગભાઈ’ એમના જમણા હાથ જેવા છે. કેવા છે ? સૌથી વધારે નિકટના પ્રિય મુમુક્ષુ છે, પાત્ર મુમુક્ષુ છે પણ સાચી વાત કરતાં જરાય (અચકાતા) નથી. આ જ્ઞાનીનું લક્ષણ છે. એ મારા વધારે પ્રશંસક છે, એ વધારે યોગ્યતાવાળા છે, માટે એનું ખોટું ચલાવી લો, માટે એ બરાબર ન હોય તો આંખ મીંચી જાવ, કે એને પોષણ મળે એ વાત શાની ચલાવતા નથી.
મુમુક્ષુ ઃ– જ્ઞાની ખાનગીમાં ઠપકો આપે.
પૂજ્ય ભાઈશ્રી :– ભલે ખાનગીમાં આપે પણ આપે. આપે તો ખરા. એને રોકે. આપે એટલે એને રોકે, કે ભાઈ ! આ વસ્તુ બરાબર નથી. તમે જે રસ્તે જાવ છો એ રસ્તો તમારા માટે બરાબર નથી. તમારા પરિણામમાં નુકસાન છે, તમારા આત્માને નુકસાન છે. આત્માના નુકસાન (થવા પ્રત્યે) એને રોકે નહિ... અરે..! મુમુક્ષુ-મુમુક્ષુ એવા સાધર્મી હોય તો રોકે, જ્ઞાની તો રોકે જ પણ મુમુક્ષુ હોય તો રોકે જ. અને જો ન રોકે તો એ મિત્ર નથી ખરેખર તો એ દુશ્મન છે. એને નુકસાનમાંથી બચાવે એનું નામ મિત્ર છે. એના નુકસાનને પ્રોત્સાહન આપે એ મિત્ર નથી, એ તો દુશ્મન છે. અને લડે એના કરતા વધારે ખતરનાક છે. દુશ્મન તો લડે. આ લડતો નથી એવો દુશ્મન છે. પણ ઓલા લડનાર કરતા વધારે ખતરનાક છે. એના જેવી વાત છે.
મુમુક્ષુ :– જ્ઞાનીને વિશેષ કરુણા ઉછળે તો સાર્વજનિક ઠપકો આપે.