________________
પત્રાંક-પ૬૦
૧૮૭
તા. ૧૯-૧૧-૧૯૦, પત્રક – પ૬૦, ૫૬૧
પ્રવચન ને. ૨૫૫
“શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-પ૬૦,પાનું-૪૪૮.છેલ્લા Paragraphથી.
“જ્ઞાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય... સંસારસેવા એટલે અહીંયાં સંસારની પ્રવૃત્તિ. જ્ઞાની પુરુષ સંસારની પ્રવૃત્તિ પૂર્વના પ્રારબ્ધને લઈને કરતા જોવામાં આવે છે. પણ એમને આત્મપ્રતિબંધપણે એટલે આત્મા એમાં રોકાઈ જાય નહિ. મિથ્યાત્વ અવસ્થામાં પૂર્વકર્મના ઉદયમાં આખો આત્મા જે રોકાય છે એવો પ્રકાર જ્ઞાનીની દશામાં હોતો નથી મિથ્યાત્વ અવસ્થામાં જીવને ઉદય જ સર્વસ્વ થઈ પડે છે. જે કાંઈ ઉદય છે એને સર્વસ્વપણે વળગી આત્મા આખે આખો ત્યાં ભાવથી ચોંટી જાય છે, એકત્વ કરે છે, લીન થઈને સંસારની પ્રવૃત્તિ કરે છે. તે પ્રકારની પ્રવૃત્તિ ભાવથી જ્ઞાનીપુરુષ કદિ કરતા નથી. પણ એમને એવું જ્ઞાન છે કે આ પૂર્વપ્રારબ્ધને લઈને જે ઉદય ચાલી રહ્યો છે, એ ઉદયમાં તલ્લીન થઈને હવે નવું પ્રારબ્ધ મારે ઉત્પન્ન કરવું નથી. જે છે એને ઈષ્ટઅનિષ્ટ જાણ્યા વિના, ઇષ્ટ-અનિષ્ટપણું કર્યા વિના એ ઉદયમાંથી પસાર થઈ જવું છે. પસાર થઈ જવું છે એમ કહો કે ભોગવી લેવું છે એમ કહો. પણ ઇષ્ટ-અનિષ્ટપણું કર્યા વિના. એ ઉદયના કાળમાં પણ હું જ્ઞાતા છું, એવું જે ભિન્ન જ્ઞાનમય મુખ્ય પરિણમન છે, એ મુખ્ય પરિણમનમાં રહીને, જ્ઞાતાપણે રહીને જ્ઞાતાપણાના મુખ્ય ભાવને અનુભવતા એ પ્રારબ્ધને નિવૃત્ત કરે છે, પ્રારબ્ધની નિવૃત્તિ કરી નાખે છે.
એવું પ્રારબ્ધ ભોગવતા પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે..” એટલે કે આ પ્રસંગથી છૂટી જવું છે. નિવર્તવું છે એટલે છૂટવું છે. પ્રારબ્ધના પ્રસંગથી પણ છૂટવું છે. એટલે જે કોઈ સંયોગ છે એની રુચિ નથી, અરુચિ છે. નિવર્તવું છે એટલે અરુચિ છે. નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે; એવી રીતે જ્ઞાની પરિણમે છે. પરિણમવાની એમની આવી રીત છે તેથી તે છૂટે છે. ક્ષણે ક્ષણે તે મુક્ત ભાવના મોક્ષ પ્રત્યે આગળ વધતા જાય છે. એનું કારણ આવી એમની રીત છે. આ રીતને લીધે.
મુમુક્ષુ - આ રીતે ઓળખાય જાય તો જ્ઞાની ઓળખાય જાય?