________________
૧૮૬
રાજહૃદય ભાગ-૧૧ દૂર થવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા શાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી. આટલું લાંબું વાક્ય છે. અહીંપૂર્ણવિરામ કર્યું છે. બાકી બધું અલ્પવિરામ-અલ્પવિરામ કરતા આવ્યા છે.
શું કરે છે ? પોતાની વર્તમાન ઉદયની પરિસ્થિતિ, એ ઉદયની સાથે વર્તતો પુરુષાર્થ અને ઉદયભાવ-બંને પ્રકારના ભાવની પરિસ્થિતિ અને એ વિષયની સિદ્ધાંતિક પરિસ્થિતિ, આમ ત્રણ-ચાર પડખાની ચર્ચા કરી છે. એક વાક્યમાં ત્રણ-ચાર પડખાની સૂક્ષ્મ ચર્ચા કરી છે. એક તો જ્ઞાનીપુરુષને સંસારની પ્રવૃત્તિ, સંસારસેવા એટલે સંસારની પ્રવૃત્તિ, આત્મપ્રતિબંધપણે હોય નહિ. એનો આત્મા બંધાય, જેમ અજ્ઞાનીનો આત્મા સંસારની પ્રવૃત્તિ કરતા પૂરેપૂરો રોકાય જાય છે એવી રીતે જ્ઞાનીનો ઉપયોગ સંસાપ્રવૃત્તિમાં હોય તોપણ પૂરેપૂરા પરિણામ એ સંસાપ્રવૃત્તિમાં લાગેલા હોતા નથી. આંશિક પરિણામ સંસારની પ્રવૃત્તિમાં હોય છે, અલ્પ અંશે પરિણામ સંસારની પ્રવૃત્તિમાં હોય છે, મહદ્ અંશે પરિણામ આત્મપ્રવૃત્તિમાં હોય છે. એને એમ કહે છે કે જ્ઞાની પુરુષને સંસારની પ્રવૃત્તિ આત્મપ્રતિબંધપણે હોય નહિ અથવા હોતી જ નથી.
પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય છે. પૂર્વના પ્રારબ્ધનો ઉદય છે, એ પ્રારબ્ધ એમના આત્માને બંધનમાં લીધો છે. એ સંયોગની વચ્ચે એને આત્માને ઘેર્યો છે, એ પ્રારબ્ધનો પ્રતિબંધ છે. પણ એમને ઉપયોગનો, પરિણામનો પ્રતિબંધ નથી, એમ કહેવું છે. પ્રારબ્ધપ્રતિબંધ હોય પણ પરિણામ પ્રતિબંધ, આત્મપ્રતિબંધ હોય નહિ. આમ વાત લીધી છે.
“એમ છતાં પણ તેથી...” એમ હોવા છતાં પણ તે પ્રારબ્ધપ્રતિબંધથી નિવર્તવારૂપ...” એટલે છૂટવારૂપ. નિવૃત્તિ લેવાના પરિણામને પામે, એવું ફળ આવે, સરવાળે એવું પરિણામ આવે એવી જ્ઞાનીની રીત હોય છે. જુઓ ! આ રીત ઉપર વાત લીધી. જ્ઞાનીની કાર્ય કરવાની પદ્ધતિ કેવી હોય છે. કાર્યપદ્ધતિનો વિષય લીધો. ભલે એને પૂર્વકર્મનું પ્રારબ્ધ હોય, ભલે એમનો આત્મા પૂરેપૂરો સંસારની પ્રવૃત્તિમાં ન રોકાતો હોય, તોપણ એ પ્રવૃત્તિથી એ છૂટવા માટે પ્રયત્નવાન રહે એવી કાર્યપદ્ધતિ જ્ઞાનીની દશા હોય છે અને સરવાળે એ છૂટીને જ રહે છે. કાયમ માટે એ પ્રવૃત્તિમાં બંધાયને રહેતા નથી. બની શકે એટલી વહેલી નિવૃત્તિમાં એ આવી જાય છે. વિશેષ લઈશું...