________________
૨૦૦
રાજહૃદય ભાગ-૧૧ જેમ બે ટનનો પત્થર. બે હજાર કિલ્લો જેનું વજન હોય, એને એક માળ ઉપર ચઢાવવો હોય તો પાંચ-સાત જણને ભેગા કરવા પડે. પણ દાદરેથી નીચે નાખવો હોય તો એક જણો ધક્કો મારે. ઉપર ચડ્યા પછી, છેલ્લા પગથિયે આવ્યા પછી નીચે પાડવો હોય તો ? એ છ જણની જરૂર પડે ? એક જણ સહેજ હડસેલો મારે તો પથરો આપોઆપ નીચે આવી જાય. એમ જીવને વૃત્તિથી પડતા આ સંસારમાં વાર નથી લાગતી. ચડવામાં એને મહેનત પડે છે અને કઠણ પડે છે એમ કહેવું છે.
શું કહે છે ? અસાર અને ક્લેશરૂપ...' આ આરંભ પરિગ્રહનો પ્રસંગ કેવો છે ? અસા૨ છે. આત્માને જરાય સુખનું કારણ નથી. સાર એટલે સુખ. આત્માને જરાય સુખનું કારણ નથી. તો શું છે ? કે ક્લેશ એટલે દુઃખનું કારણ છે. આકુળતા થાશે. આવશે તો આકુળતા થશે, જાશે તોપણ આકુળતા થશે. સાચવવા માટે પણ આકુળતા જ થવાની છે. ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં.... એ વચ્ચે વસતા જીવ જરાય અજાગૃત રહે અથવા એમ એને થઈ જાય કે હવે મને વાંધો નથી. મને તો ઘણો વૈરાગ્ય છે. હવે મને વાંધો નથી. મેં તો આ છોડ્યું છે... આ છોડ્યું છે... આ છોડ્યું છે... (એમ) નિર્ભય થઈ જાય, અજાગૃત રહે તો ઘણાં વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે,...’ એ વાત ઘડીકમાં થઈ જાય. સેકન્ડોમાં.
એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને...' એ વાત નિશ્ચય છે, નિર્ણય કરેલી છે. એને વારંવા૨ સ્મરણમાં રાખીને નિરુપાય પ્રસંગમાં...’ પોતાને કાંઈ કરવું નથી પણ આવી પડે તો, માથે આવી પડે તો નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે...' ડરતા-ડરતા. ભવભ્રમણથી ડરતા-ડરતા, કર્મબંધનથી ડરતા-ડરતા ‘કંપતા ચિત્તે ન જ છૂટ...' ન છૂટકે પ્રવર્તવું ઘટે છે....’ હાથે કરીને તો ઊભું કરવાની વાત નથી એમ કહે છે. પણ કોઈ પૂર્વકર્મને લઈને આવી પડે તોપણ ડરતા-ડરતા કંપતા ચિત્તે, પોતે છટકવા માગતો હોય તોપણ ન છટકી શકે એવું હોય તો કંપતા ચિત્તે એણે એ કામ કરવું. પછી તીવ્ર રસ કેવી રીતે આવશે ? જે પોતાનું કાર્ય જાણીને જીવ તીવ્ર રસથી કરે છે, તે જો ડરતા-ડરતા, કંપતા ચિત્તે કરે તો એને કેવી રીતે રસ આવવાનો હતો ? તો એનો જે વૈરાગ્ય છે એ જળવાય રહેશે, નિરસપણું છે એ જળવાય રહેશે. નહિતર નિરસપણું ખલાસ થતાં વાર લાગશે નહિ.
‘એ વાતનો મુમુક્ષુ જીવે કાર્યે કાર્યો...' એટલે પ્રત્યેક કાર્યમાં. આ કાર્યમાં વાંધો નથી એમ નહિ. પ્રત્યેક કાર્યમાં. ‘કાર્યે કાર્યો...’ એટલે આપણે દૃષ્ટાંત લઈએ છીએ કે ભાઈ ! રોજ જમવા બેસવાનું થાય છે. રોજ જેટલી વાર જમે એટલી વાર. કાર્યે કાર્યો.