________________
૧૩૪
રાજહૃદય ભાગ-૧૧ ૫૫૧મો પત્ર પણ “સોભાગભાઈ ઉપરનો જ છે.
“શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ' કહે છે. “અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે...” સ્વ . સ્વ એટલે પોતાનું સ્વરૂપ અને સ્થ એટલે સ્થિર થવું. સ્વરૂપમાં સ્થિર થવું એવું જે આત્માનું આત્મપરિણામ. આત્મભાવે આત્મા આત્મામાં સ્થિર થાય એનું નામ સમાધિ છે. અને આત્મપરિણામમાં અસ્વસ્થ થાય એટલે એથી બહાર જાય તેને અસમાધિ કહેવામાં આવે છે. એવું જિનેન્દ્રદેવનું વચન છે. શું કહે છે ? આ જિનવચન છે, કે આત્મપરિણામની સ્વસ્થતા તે જ સમાધિ છે, આત્મપરિણામની અસ્વસ્થતા તે અસમાધિ છે.
મુમુક્ષુ -દોઢ લીટીમાં સમયસાર કહી દીધું.
પૂજ્ય ભાઈશ્રી – બાર અંગનો સાર મૂકી દીધો ! શુદ્ધોપયોગ છે એ બાર અંગનો સાર છે. પરિણામ સ્વરૂપમાં લીન થાય એ જ બાર અંગનો સાર છે. બધથી ઉખડે ત્યારે અંદર જાયને? નહિતર જાય કેવી રીતે ? બહારના પદાર્થોની આ જીવના પરિણામની વળગણા કાંઈ ઓછી નથી. ત્યાં ભાવ એવી રીતે ચોટેલો છે, કે અનંતકાળથી એક ક્ષણ માટે ઉખડીને પણ આત્મામાં આવ્યો નથી. આ પરિસ્થિતિ છે.
શ્રી જિન એમ કહે છે, કે અનુભવજ્ઞાને જોતાં પરમસત્ય છે. એવા અમારા અનુભવજ્ઞાનથી અમે જોઈએ છીએ ત્યારે જિનેન્દ્રદેવનું તે વચન અમને પરમસત્ય લાગે છે. આ અનુભવથી એની સાક્ષી પૂરી. આ “આધિ” શબ્દ છે ને એને બધા પ્રત્યય લાગે છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, સમાધિ. એ બધા પ્રત્યય લાગતા એના જુદા જુદા અર્થ થાય છે. મૂળ ધાતુ તો રાધ છે. એમાંથી આરાધન શબ્દ આવ્યો છે. રાધ ધાતુ છે. પછી અપરાધ થાય છે, આરાધના થાય છે, વિરાધના થાય છે. જે આપણી પાસે સંસ્કૃત ધાતુ કોષછે. પછી જોઈ લેશું. કયાંથી ધાતુ શબ્દ આવ્યો છે.
શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે;. આ એટલા માટે પોતે લખે છે, કે એકાંતે સ્વરૂપમાં જ ઉપયોગને રહેવું યોગ્ય છે અને એ એક સમ્યફ એકાંત છે. તમામ પ્રકારનો અનેકાંતવાદ છે, જેટલો કોઈ અનેકાંતવાદનો વિસ્તાર છે એ આ એક સમ્યફ એકાંતના હેતુથી કહેલો અનેકાંતવાદ છે. એટલે તો એમણે એક જગ્યાએ વાત લખી હતી ને? અનેકાંત પણ સમ્યફ એકાંત એવા નિજપદના હેતુ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. વાક્યરચના કેવી કરી છે!