________________
૧૬૨
પત્રાંક-૫૫૫
રાજહૃદય ભાગ-૧૧
મુંબઈ, પોષ સુદ ૧૦, વિ, ૧૯૫૧
પ્રત્યક્ષ કારાગૃહ છતાં તેના ત્યાગને વિષે જીવ ઇચ્છે નહીં, અથવા અત્યાગરૂપ શિથિલતા ત્યાગી શકે નહીં, કે ત્યાગબુદ્ધિ છતાં ત્યાગતાં ત્યાગતાં કાળ વ્યય કરવાનું થાય, તે સૌ વિચાર જીવે કેવી રીતે દૂર કરવા ? અલ્પ કાળમાં તેમ કેવી રીતે બને ? તે વિષે તે પત્રમાં લખવાનું થાય તો કરશો. એ જ વિનંતી.
૫૫૫મો પત્ર છે. ‘સોભાગભાઈ' ઉ૫૨નું એક Post card છે.
પ્રત્યક્ષ કારાગૃહ છતાં...' આ જે સાંસારિક સ્થિતિ છે, સંસારમાં રહેવાની પરિસ્થિતિ છે એ કેવી પરિસ્થિતિ છે ? પ્રત્યક્ષ કારાગૃહ... જેવી છે, જેલખાના જેવી છે, કેદખાના જેવી છે. કેમકે જેને સજા થઈ હોય એ તો પરતંત્ર જ હોય ને ? સવાર પડે એટલે કહે, ઉઠ ભાઈ ! આટલા પથરા તોડી નાખ. પથરા ભંગાવે છે ને ? આને કહે ઉઠ, ભાઈ ! આઠ વાગ્યા દુકાન ભેગો થા. એ પથરા તોડવાની જ વાત છે, બીજું કાંઈ છે નહિ. આત્માને તો કાંઈ અંદરમાં શાંતિ થાય એવું નથી, સુખ આવે એવું નથી. એ પ્રત્યક્ષ કારાગૃહ જેવું છે.
જેમ સવારના પહોરમાં ધોંસરું નાખીને બળદને ગાડે જોડી દે. એવી રીતે સવારમાં ઊઠે ત્યારથી પ્રવૃત્તિના ગાડે જોડાઈ જાય છે. એ જ્ઞાનીની નજરમાં કારાગૃહ જેવું લાગે છે. બળદને જેમ ગાડે જોડ્યો એમ એને પોતાને દુકાને જાવું પડે છે. આ જેલખાનામાં જવાનું થાય છે. પરાણે પરાણે જેમ સજા સહન કરે છે એમ એ પોતે એ દૃષ્ટિએ પ્રવૃત્તિને અનુસરે છે. લોકો હોંશે હોંશે દુકાને જઈને બેસે છે એમ બેસતા નથી. લોકો તો શું કરે ? સવારમાં ઉંબરાને પગે લાગે ત્યાંથી હોંશ ચડે એને. વાણિયા જાય છે ને ? ઉંબરાને પગે લાગે. ઉંબરો સમજો છો ? ત્યાંથી એનો રસ શરૂ થઈ જાય. એમાં બેસતો મહિનો હોય. કંકુ ને ફૂલ ને આ ને તે.... ઉંબરે બધી શોભા કરે. બેસતા મહિને બજારમાં જોશો તો ખ્યાલ આવી જશે. આ ફૂલ છે, ત્રસ જીવો અંદર હોય, આંગણામાં નાખે. એના ઉપર બધા પગ મૂકીને ચાલવાના છે. જેટલા ગ્રાહક દુકાને ચડશે એ બધા શું કરશે ? એના ઉપર પગ મૂકીને ચાલવાના કે નહિ ? મારી કમાણી સરખી થાય માટે ઉંબરાને પૂજવા તૈયાર થાય. જુઓને ! ગુલામગીરી તો કેટલી છે જીવની! જડ પરમાણુનો બનેલો ઉંબરો છે. પોતાની વૃત્તિ ત્યાંથી લેવાની છે તો એને પણ પગે લાગે,