________________
૪૫
પત્રાંક-૫૪૮
મુમુક્ષુ:- આ આરાધન તો ભક્તિ થઈ ગઈ.
પૂજ્ય ભાઈશ્રી - ભક્તિ પણ છે, એમની પણ ભક્તિ છે અને આત્મા તરફના પુરુષાર્થનો પણ એની અંદર પ્રારંભ છે, શરૂઆત છે. એની અંદર બેય વાત છે. બેય પડખાં સાથે જ હોય છે. પોતાનો પુરુષાર્થ અને ભક્તિ બંને સાથે જ ઉત્પન્ન થાય છે.
મુમુક્ષુ – આ સ્પષ્ટ આવી ગયું કે સપુરુષના આરાધનથી દર્શનમોહ ક્ષય થાય છે અને ઉપશમે છે. આ સ્પષ્ટ આવી ગયું.
પૂજ્ય ભાઈશ્રી - સ્પષ્ટ છે. અબાધિત સિદ્ધાંત છે, ત્રણે કાળે અબાધિત સિદ્ધાંત છે. એટલે તો આટલો સપુરુષનો મહિમા કર્યો છે. મહિમાનું કારણ તો આ છે.
મુમુક્ષુ – આ બંધનું કારણ નથી?
પૂજ્ય ભાઈશ્રી – બિલકુલ નહિ. બંધનું કારણ છે જ નહિ. બંધનું કારણ બનાવે તો એણે એમને સંસારના નિમિત્તોની કક્ષામાં મૂકી દીધા. એ તો “સોગાનીજીએ કહ્યું કે જીવને અનેક પ્રકારના પુણ્યના ઉદય આવે છે ત્યારે બંધાય છે. પુણ્યના ઉદયમાં શું થાય છે? બંધાય છે. અને બહુભાગ તો પાપથી જ બંધાય છે. એમ દેવ-ગુરુ-શાસ્ત્રનો તને સંયોગ થયો એ એક પુણ્યોદય છે. તો કહે છે, ત્યાં બંધાઈશ નહિ તું હવે. નહિતર પંચેન્દ્રિયના વિષયો પુણ્યના યોગે મળ્યા અને બંધાણો, એ જ તને દેવ-ગુરુ-શાસ્ત્ર પુણ્યના યોગે મળ્યા અને બંધાયો, એમાં તે શું ફેર રાખ્યો? બંધનની દૃષ્ટિએ તો કાંઈ ફેર નથી રાખ્યો. શુભાશુભની વાત ગૌણ છે. વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર જે મુક્ત થવાના નિમિત્ત છે, અને તેં બંધનના નિમિત્ત બનાવ્યા. ઊલટું કામ કર્યું છે, એમ કહે છે. સોગાનીજીએ એ વાત સ્પષ્ટ કરી છે. ઊલટું કામ કર્યું છે અને એમની આજ્ઞા વિરુદ્ધ ચાલ્યો છે. દેવ-ગુરુ અને શાસ્ત્રજ્ઞાની વિરુદ્ધ ચાલ્યો છે, અમે તને મુક્ત થવાનું કહીએ છીએ અને તું અમને બંધનનું નિમિત્ત બનાવે છો? એનો અર્થ શું?કે તું અમારી વાત સાંભળતો નથી. મેં તને જે મુક્ત થવાની વાત કહી છે એ વાત તું સાંભળવા માગતો નથી. એમ સ્પષ્ટ થાય છે.
મુમુક્ષુ :- આટલો બધો ઉપદેશ સાંભળ્યો, આટલો બધો મહિમા કર્યો, એ વિરુદ્ધતા ચાલી ગઈ?
પૂજ્ય ભાઈશ્રી:- મહિમા કર્યો પણ ઓઘે કે ઓળખીને ? આટલો જ સવાલ છે. મહિમા કર્યો, ઠીક વાત છે, અમને એનો બહુ વાંધો નથી. તેં મહિમા કર્યો એનો અમને વાંધો નથી, ભલે કર્યો. પણ હવે જ્યારે મહિમા કરવો જ છે અને કર્યો જ છે તો ઓળખીને કરને. બસ, આટલો સુધારો અપેક્ષિત છે. આથી વધારે કાંઈ વાત નથી. પછી