Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
७६
ક્રિયાનો બીજો આશય પ્રવૃત્તિ છે. અહીં પ્રવૃત્તિ એટલે પ્રયત્નનો અતિશય. પોતપોતાને ઉચિત એવા ધર્મસ્થાનને વિશે (ઉપાયવિષયક નૈપુણ્યયુક્ત અને ક્રિયાની શીઘ્ર સમાપ્તિની ઇચ્છારૂપ ઔત્સુચદોષથી રહિત) પ્રયત્નનો અતિશય તે પ્રવૃત્તિ છે.
ત્રીજો આશય વિઘ્નજય છે. ધર્મમાં આવતાં વિઘ્નો-અંતરાયોને દૂર કરવાનો પરિણામ, તે વિઘ્નજય કહેવાય છે. ધર્મના અંતરાય ત્રણ પ્રકારના છે : જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. એને કંટકકલ્પ, જ્વરકલ્પ, અને દિગ્મોહકલ્પ કહ્યા છે. શીતોષ્ણાદિ પરીષહો એ કંટકકલ્પ વિઘ્ન છે અને તેને તિતિક્ષાભાવના વડે દૂર કરી શકાય છે. તિતિક્ષા એટલે શીતોષ્ણાદિ દ્વન્દ્વો સમભાવે સહન કરવાની વૃત્તિ. શારીરિક રોગો એ જ્વરકલ્પ છે. તેને હિતાહાર-મિતાહાર વડે દૂર કરી શકાય છે, અથવા આ રોગો મારા શરીરની સ્થિતિને બાધક છે પણ આત્માના સ્વરૂપને નહિ, એ જાતિનો વિચાર કરવાથી જીતી શકાય છે. મિથ્યાત્વાદિજનિત મનોવિભ્રમ એ દિગ્મોહકલ્પ નામનું તૃતીય વિઘ્ન છે. તેને મિથ્યાત્વાદિની પ્રતિપક્ષ ભાવનાઓ વડે અને ગુરુઆજ્ઞાના પારતંત્ર્ય વડે જીતી શકાય છે. એ રીતે ત્રણેય પ્રકારનાં વિઘ્નો દૂર કરવાથી ધર્મસ્થાનનું નિરંતરાય-નિર્વિઘ્ને આરાધન થઈ શકે છે.
સિદ્ધિ એ ચોથો અને વિનિયોગ એ પાંચમો આશય છે. પ્રથમ ત્રણ આશયથી સામટા સેવનથી ધર્મની સિદ્ધિ થાય છે અને સિદ્ધિ થયા પછી યથાયોગ્ય ઉપાય વડે બીજાને તેની પ્રાપ્તિ કરાવી શકાય છે. એ વિનિયોગ નામનો પાંચમો આશય છે. આ પાંચેય પ્રકારના આશયથી શુદ્ધ એવો ધર્મવ્યાપાર મોક્ષનું કારણ બની શકે છે, પણ કેવળ ધર્મવ્યાપાર નહિ, કારણ કે વાસ્તવિક ધર્મ એ પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત છે.
પુણ્યોપચય એ ચિત્તની પુષ્ટિ છે અને ઘાતીકર્મના ક્ષયથી ઉત્પન્ન થનારી આંશિક નિર્મળતા એ ચિત્તની શુદ્ધિ છે. પ્રણિધાનાદિ આશયોથી ચિત્તના એ બન્નેય ધર્મો અનુક્રમે વધતા જાય છે અને તેની પુષ્ટિ અને શુદ્ધિનો પ્રકર્ષ મોક્ષમાં પરિણમે છે. આ આશયોથી શૂન્ય અનુષ્ઠાન અનુબંધવાળું બનતું નથી. તેથી તેને કરવા છતાં શુદ્ધિનો પ્રકર્ષ થવાને બદલે વિદ્યમાન અશુદ્ધિ કાયમ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org