Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
કરેમિ ભંતે' સૂત્ર ૦૨૨૭
શ્રીભગવતીસૂત્ર, જે દ્વાદશાંગીનું પાંચમું અંગ છે, તેના ૧૩મા શતકના ૭મા ઉદેશમાં જણાવ્યા મુજબ ભાષા ચાર પ્રકારની છે : (૧) સત્ય, (૨) મૃષા (અસત્ય), (૩) સત્યમૃષા(સયાસત્ય), અને (૪) અસત્યામૃષા (ન-સત્ય કે ન-અસત્ય). (આ ચોથા પ્રકારની ભાષા સંબોધન, આમંત્રણ કે આજ્ઞામાં વપરાય છે.) આ ચાર પ્રકારની ભાષાઓ પૈકી બે પ્રકારની ભાષા મૃષા (અસત્ય, અને સત્યમૃષા (સત્યાસત્ય) તો ન જ બોલવી; જ્યારે બાકીની એટલે સત્ય અને અસત્યામૃષા (ન સત્ય-ન-અસત્ય) ભાષા વિવેકપૂર્વક બોલવી. તે માટે શ્રીદશવૈકાલિકસૂત્રના ૭મા અધ્યયનમાં (ગા. ૨) કહ્યું છે કે :
चउण्हं खलु भासाणं, परिसंखाय पन्नवं ।। दुण्हं तु विणयं सिक्खे, दो न भासिज्ज सव्वसो ॥
પ્રાજ્ઞ મનુષ્ય ચાર પ્રકારની ભાષાને જાણીને તેમાંથી બે પ્રકારની ભાષા સર્વથા ન બોલવી જોઈએ અને બે પ્રકારની ભાષાનો વિનય શીખવો. મતલબ કે ભાષા સત્ય હોય, પણ સાવદ્ય હોવાના કારણે બોલવા જેવી ન હોય અથવા ન સત્ય-ન અસત્ય હોય, પણ શિષ્ટાચાર-વિનાની એટલે તોછડી હોય, તો તે પણ ન બોલવી જોઈએ. વળી જે ભાષા કર્કશ હોય, સંદિગ્ધ હોય તથા શાશ્વત પદાર્થની સિદ્ધિમાં પ્રતિકૂળ હોય તેવી પણ ન બોલવી જોઈએ. આવા દોષોથી રહિત જે ભાષા સત્ય હોય અથવા ન સત્ય-ન અસત્ય હોય અને બીજાને ઉપકારક હોય, તે બોલવી જોઈએ.
શ્રીદશવૈકાલિકસૂત્રના ૭મા અધ્યયનની નિયુક્તિમાં જણાવ્યા પ્રમાણે [૧] સત્ય ભાષા અથવા સત્યવચનયોગ દસ પ્રકારનો છે. તે નીચે મુજબ :
(૧) જનપદ-સત્ય ઃ જે દેશમાં જેવી ભાષા બોલાતી હોય, તે દેશમાં તે પ્રમાણે બોલવું, તે જનપદ-સત્ય છે. જેમ કે બિલ શબ્દથી ગુજરાતી ભાષામાં દર કે ગુફા સમજાય છે, જ્યારે અંગ્રેજી ભાષામાં તે જ શબ્દથી ભરતિયું, કરેલી સેવાની કિંમતનો આંકડો કે કાયદાનો ખરડો સમજાય છે.
(૨) સમ્મત-સત્ય : પ્રથમના વિદ્વાનોએ જે શબ્દને જે અર્થમાં માન્ય રાખવો, તે સમ્મત-સત્ય છે. જેમ કે કમલ અને દેડકો બંને પક(કાદવ)માં જન્મે છે, છતાં પંકજ-શબ્દ કમલ માટે વપરાય છે; નહિ કે દેડકા માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org