Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૮૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા-૧
વિજયમાં એક વખતે એક તીર્થકરથી વધારે હોતા નથી, એટલે તેમની ઉત્કૃષ્ટ સંખ્યા ૧૭૦ની ગણાય છે કે જે સંખ્યા શ્રી અજિતનાથ ભગવાનના સમયમાં હતી. આજે અઢીદ્વીપની, અંદર બધા મળીને ૨૦ જિનો વિહરમાણ છે, જેમાં ૪ જંબૂદ્વીપમાં, ૮ ધાતકીખંડમાં અને ૮ અર્ધપુષ્કરવરદ્વીપમાં છે. આ તીર્થકરોનાં નામો તથા તે અંગેની વિશેષ માહિતી જો કે ઉપલબ્ધ આગમોમાં મળતી નથી, પરંતુ તે હકીકત આચાર્યોની શુદ્ધ પરંપરાથી એકસરખી ચાલી આવે છે, અને તેનો ઉલ્લેખ પાછળના માન્ય ગ્રંથોમાં જણાય છે. દાખલા તરીકે સીમંધરસ્વામીનું નામ કાલકકથામાં તથા આર્યરક્ષિતસૂરિની જીવનકથામાં નિગોદ-વ્યાખ્યાન પ્રસંગે આવે છે અને બીજાં નામો આવશ્યકચૂર્ણિ વગેરે ગ્રંથોમાં જણાય છે. તીર્થકરોની આ ગણના સાથે ચૈત્યવંદનકારે કેવલજ્ઞાનીઓ તથા મુનિઓની ઉત્કૃષ્ટ અને જઘન્ય સંખ્યા પણ જણાવી તેની સ્તુતિ કરેલી છે.
ચૈત્યવંદનના ત્રીજા પદ્યમાં પ્રસિદ્ધ તીર્થોનો ઉલ્લેખ કરી ત્યાં વિરાજતા મૂળનાયકોને વંદના કરવામાં આવી છે. આ નામાવલિમાં [૧] પ્રથમ નામ શ્રી શત્રુંજયનું છે કે જેના પર વિરાજી રહેલા યુગાદિદેવનો મહિમા આજે પણ દિગંતમાં ગાજી રહ્યો છે.
[] બીજું નામ ઉજ્જયંતગિરિ એટલે રૈવતાચળ કે ગિરનારનું છે કે જયાં બાલબ્રહ્મચારી યદુકુલતિલક ભગવાન્ શ્રીનેમિનાથનાં દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ—એ ત્રણ કલ્યાણકો થયેલાં છે.
[] ત્રીજું નામ સત્યપુર એટલે સાચોરના મહાવીરનું આવે છે કે જેનો પ્રભાવ વીરનિર્વાણસંવત ૬૭૦થી લઈને વિ. નિ. સં. ૧૮૩૭ (વિકસંવત ૧૩૬૭) સુધી એટલે લગભગ ૧૧૬૭ વર્ષ-પર્યત અખ્ખલિત રીતે ચાલેલો છે. ખાસ કરીને બ્રહ્મશાંતિ યક્ષના સાન્નિધ્યને લીધે તે એક મહાનું ચમત્કારિક તીર્થ ગણાતું હતું. કેટલીક પોથીઓમાં આ સ્થળે મોઢેરાનો ઉલ્લેખ આવે છે કે જે એક કાળે વીરપ્રભુના મહાન તીર્થ તરીકે વિખ્યાત હતું, અને જ્યાં બપ્પભટ્ટિસૂરિ જેવા મહાન પ્રભાવક આચાર્ય વિદ્યાબળે નિત્ય દર્શન કરવાને માટે આવતા હતા. શ્રીજિનપ્રભસૂરિએ આ વાતની ખાસ નોંધ મથુરા-કલ્પમાં કરેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org