Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
આવે છે. વંદન-ક્રિયામાં આ પંચાંગ-પ્રણિપાત મધ્યમ પ્રકારનું વંદન લેખાય છે. ગુરુને આ પ્રકારે વંદન કર્યા પછી પુનઃ ઊભા થઈને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયાવહિયં પડિક્કમામિ ! એ શબ્દો વડે ઇર્યાપથિકીપ્રતિક્રમણનો આદેશ માગવામાં આવે છે. આ લઘુપ્રતિક્રમણ છે અથવા પ્રતિક્રમણની બૃહદ્ભાવનાના પ્રતીકરૂપ છે, તેથી સકારણ યોજાયેલું છે. જે સાધક સમભાવની સાધના કરવાને તત્પર થયો હોય તેને પાપપ્રવૃત્તિ પ્રત્યે અણગમો થયેલો હોવો જ જોઈએ અને તે પ્રકારની પોતાની નાનામાં નાની પ્રવૃત્તિ માટે પણ પશ્ચાત્તાપ કરવાની તેની તૈયારી હોવી જોઈએ. આ આશયથી પ્રથમ ગમનાગમનમાં થયેલી જીવ-હિંસાનો પશ્ચાત્તાપ કરી તે અંગે થયેલા દુષ્કૃતની ક્ષમા ઇચ્છવામાં આવે છે. મિચ્છા મિ દુક્કડં એ પ્રતિક્રમણની ભાવનાનું બીજ છે. આ શબ્દો ઉચ્ચારતી વખતે સાધકના હૃદયમાં અરેરાટી થવી જોઈએ કે હા ! હા ! મેં દુષ્ટે શું કર્યું ? આ પ્રકારની ભાવનાથી શૂન્ય હોય તે સાધકનો મિથ્યા-દુષ્કૃત એ વાણીની વિડંબના છે, અથવા તો અસત્ય પ્રલાપ છે, તે ભૂલવું જોઈતું નથી.
મિથ્યા-દુષ્કૃતનું ઉત્તરીકરણ કાયોત્સર્ગ વડે થાય છે, એટલે ઉત્તરીકરણસૂત્ર અને કાયોત્સર્ગસૂત્ર બોલીને એક નાનકડી કાયોત્સર્ગની ક્રિયા ૨૫ શ્વાસોચ્છ્વાસપ્રમાણ કરવામાં આવે છે.' સાધકે આ કાયોત્સર્ગ-ની ક્રિયાને સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે. આ સ્થળે તે માત્ર પ્રતીકરૂપે ગોઠવાયેલી છે, પરંતુ સાધના-સમયમાં તેનો યથાર્થ ઉપયોગ કરવો ઘટે છે. કાયાને સ્થાનથી સ્થિર કરીને, વાણીને મૌનથી સ્થિર કરીને અને મનને ધ્યાનથી સ્થિર કરીને બહિર્ભાવમાં રમી રહેલા આત્માનું વિસર્જન કરવું એ તેની પ્રતિજ્ઞા છે. આ કાયોત્સર્ગ-ધ્યાન સમજણ-પૂર્વક થાય તો ઉત્તરીકરણના મુખ્ય હેતુ પાર પડે. કાયોત્સર્ગ દરમિયાન સ્મરણ કરાતાં લોગસ્સ સૂત્રનાં પદો જરૂર ઊંડું ચિંતન માગે છે. અભ્યાસ વધતાં એ ચિંતન સહજ થઈ જાય છે. ત્યાર પછી પ્રકટ બોલાતો લોગસ્સ સૂત્ર એટલે ચઉવીસત્થય સૂત્તનો પાઠ સ્તુતિ-મંગળરૂપે છે. પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્તથી કાંઈક નિર્મળ બનેલું હૃદય અર્હત્ અને સિદ્ધ ભગવંતોનાં કીર્તનથી પુન: બલવાન બને છે અને સત્પ્રવૃત્તિરૂપ આરાધનામાં ઉત્સાહવંત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org