Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૯૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
દેવના સ્તવન વડે સમ્યક્ત્વની શુદ્ધિ થતાં આત્મામાં અનુકંપાનો જે અદ્ભુત ગુણ પ્રકટે છે, તે તેના પ્રત્યેક જીવનવ્યવહારને શુદ્ધ રાખવાની જબ્બર પ્રેરણા કરે છે, અને પરિણામે તેનો જીવનવ્યવહાર પ્રામાણિક, નિર્દોષ અને સાત્ત્વિક બને છે.
આસ્તિય અને અનુકંપાનું પરિણામ નિર્વેદના પ્રાકટ્યમાં આવે છે, કે જેના લીધે તે ભવસાગરના ભ્રમણથી ભયભીત બને છે અને જન્મમરણના ફેરામાંથી ક્યારે મુક્ત થાઉં ? એવી ઉત્સુકતાનું પ્રતિપળે સેવન કરે છે.
આ રીતે આસ્તિક, અનુકંપિત અને નિર્વિણ બનેલો તે આત્મા સંવેગના રંગે રંગાય છે, જેના લીધે તેને સર્વ વિષય-ભોગો કિંપાક-વૃક્ષના ફળ-તુલ્ય કડવા લાગે છે અને માથે પડેલી સાંસારિક પ્રવૃત્તિઓને ચલાવવા છતાં હૃદયથી તો તે અળગો જ રહે છે. તેથી જ કહેવાય છે કે
સમકિતવંતો જીવડો, કરે કુટુંબ-પ્રતિપાલ;
અંતરથી અળગો રહે, જ્યમ ધાવ ખેલાવત બાલ.
આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ અને સંવેગ પ્રકટ થતાં શમગુણનો આવિર્ભાવ સ્વાભાવિક બને છે કે જેના લીધે ક્રોધ, માન, માયા અને લોભ રૂપી કષાયોથી તથા હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, જુગુપ્સા અને વેદ (જાતીય ભાવના) રૂપીનો કષાયથી તે ક્ષુબ્ધ થતો નથી. તાત્પર્ય કે લક્ષ્મી અને અધિકારની પ્રાપ્તિ તેને છકાવી શકતી નથી કે ધન-વૈભવ અને સત્તાનો નાશ તેને દુઃખી કરી શકતા નથી. જ્યાં જીવ અને અજીવની જુદાઈ પ્રત્યક્ષ ભાસતી હોય, તથા ધન-માલ, કુટુંબ-પરિવાર અને દેહ તથા ઇન્દ્રિયોને પણ સંયોગ-જન્ય લેખવામાં આવતા હોય; ત્યાં શેનું અભિમાન ? અને શેનું દુઃખ ? તાત્પર્ય કે શમ ગુણથી વિભૂષિત આત્મા સુખ અને દુઃખમાં સમાનસ્થિતિવાળો રહે છે અને પોતાના ચિત્તની પ્રસન્નતા સદાકાળ ટકાવી રાખે છે. આ રીતે સમકિતની શુદ્ધિનો અર્થ આસ્તિકચ, અનુકંપા, નિર્વેદ, સંવેગ, શમગુણોનું યથાર્થ પ્રાકટ્ય છે કે જેના લીધે જીવનની સર્વ પ્રવૃત્તિઓ બહિર્મુખ મટીને અંતર્મુખ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org