Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૮૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
તેટલું શાંત અને સાત્ત્વિક હોવું જોઈએ. જે ગૃહસ્થ-સાધકો સામાયિકની સાધના સદ્ગુરુના યોગના અભાવે ઘરમાં રહીને કરે છે, તેઓ તેનો કોઈ એકાંત ભાગ પસંદ કરી શકે છે, અથવા તો તે માટે જ ખાસ ઓરડો અલગ રાખેલો હોય તો તેનો ઉપયોગ પણ કરી શકે છે. આવો ઓરડો, જેને સામાયિક-ભવન કહી શકાય તેની સજાવટ તેને અનુરૂપ હોવી જોઈએ, એટલે કે તે સાદું છતાં સુઘડ અને પ્રશસ્ત વાતાવરણવાળું હોવું જોઈએ. આવા ભવનમાં સામાયિકની સાધના કરી ગયેલા મહાનુભાવો કે મહર્ષિઓનાં ભાવવાહી ચિત્રો મૂકી શકાય કે જેને જોતાં જ સામાયિકની સાચી સાધના કેવી હોય તેનો ખ્યાલ આવી શકે. તે માટે નીચેના કેટલાક પ્રસંગો પસંદ કરવા જેવા છે :
(૧) પ્રભુ મહાવીરને ક્રોધથી ધમધમી રહેલા ચંડકૌશિક સર્પનો દંશ થવા છતાં તેમની અડગ શાંતિ અને ધર્મોપદેશ.
(૨) પ્રભુ મહાવીરના કાનમાં ગોવાળો દ્વારા શલાકા નખાય છે, છતાં તેઓ ધ્યાનમાં અડગ રહે છે.
(૩) ગજસુકુમાલના મસ્તક પર ખેરના અંગારા, શ્વશુરનો ક્રોધ
અને તેમની અજબ સહનશીલતા.
(૪) મેતાર્યમુનિને માથે લીલી વાધરી બાંધીને તડકે બેસાડ્યા છે, સોની ધમકી આપે છે, પરંતુ તેમના મુખ પર વિષાદની કોઈ રેખા ફરકતી નથી. સમતા અને શાંતિના વાતાવરણથી તેઓ વાતાવરણને પવિત્ર બનાવી રહ્યા છે.
(૫) પ્રભુ શ્રી પાર્શ્વનાથને મેઘમાળીનો ઉપસર્ગ.
(૬) સુકોશલમુનિ જંગલમાં ધ્યાન ધરીને ઊભા છે. વિકરાળ વાઘણ તેમના પર હુમલો કરે છે, છતાં અભયનું અનુસરણ કરીને તેઓ સ્થિર ઊભા રહે છે. તેમ કરતાં પ્રાણની આહુતિ આપે છે, પણ પ્રતિજ્ઞાને છોડતા નથી.
(૭) અવંતિસુકુમાલ કંટકમય વૃક્ષોની વચ્ચે આત્મધ્યાનમાં નિમગ્ન છે. હડકાયેલી શિયાળણી આવીને શરીરને કરડી ખાય છે. પરંતુ દેહ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org