Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘સંસા૨દાવાનલ’-સૂત્ર ૦ ૪૯૭
હોય છે. આજે ઘરાક પૈસા ઘાલી ગયો, તો કાલે કોઈએ દેવાળું કાઢ્યું. આજે કોઈ સાથે ઝઘડો થયો, તો કાલે કોઈ અકસ્માત નડ્યો. સમાજનાં વિચિત્ર બંધનો, રાષ્ટ્રની અસ્થિર હાલત અને વિશ્વનું અશાંત વાતાવરણ પણ એ ઉપાધિમાં ઉમેરો કર્યા કરે છે. રાત્રે એક માણસ કરોડપતિ તરીકે સૂતો હોય છે, તે સવારે ભિખારી બની જાય છે અને સવારે એક માણસ સરમુખત્યાર હોય છે, તે સાંજે જ ફાંસીના માંચડે લટકે છે. વળી આજે જ્યાં શાંતિ અને આબાદી જણાતી હોય છે, ત્યાં આવતી કાલે યુદ્ધ અને સર્વનાશની નોબત ગડગડતી સંભળાય છે. એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિના ઘેરા સંતાપમાં ડૂબેલો સંસાર હૂબહૂ દાવાનલનું સ્વરૂપ ખડું કરે છે.
અહીં પ્રશ્ન એ થાય છે કે આ દાવાનલ ઓલવાય કેવી રીતે ? જંગલમાં જ્યારે એકાએક અગ્નિ પ્રગટી નીકળે છે, ત્યારે તે દિવસોના દિવસો સુધી ચાલે છે, જે કોઈ પણ સામાન્ય ઉપાયોથી કાબૂમાં આવતો નથી. અરે ! મોટાં મોટાં રાક્ષસી યંત્રો પણ તેને શાંત કરવામાં નિષ્ફળ નીવડે છે. સન ૧૯૪૯ના જુલાઈ માસમાં અમેરિકાનાં જંગલોમાં જે આગો પ્રગટી નીકળી હતી, તે અનેકવિધ પ્રયત્નો કરવા છતાં ઘણાં અઠવાડિયાં સુધી ચાલી હતી. મતલબ કે આવી આગોને ઓલવવાનું સફળ કાર્ય સમર્થ મહામેઘનું પાણી જ કરી શકે છે. જ્યારે તે છૂટથી પડે છે, ત્યારે દાવાનલ શાંત થઈ જાય છે. એ જ પ્રમાણે સંસાર-દાવાનલનું છે. તેનો દાહ સામાન્ય ઉપાયોથી શાંત થતો નથી. તે તો જ્યારે મહર્ષિઓની દેશના કે તેમણે પ્રરૂપેલા સિદ્ધાંતોનો આશ્રય લેવામાં આવે, ત્યારે જ શાંત થાય છે. અહીં તેવું કાર્ય કરનાર તરીકે ચરમતીર્થંકર શ્રીમહાવીરસ્વામીને વંદના કરવામાં આવી છે, કે જેમનો ઉપકાર કદી પણ ભૂલી શકાય તેવો નથી. આજે પણ તેમનું સ્થાપેલું તીર્થ ભવ્ય જીવોને ધર્મારાધનની અનેક સામગ્રી પૂરી પાડે છે; તેથી પહેલી વંદના તેમને કરવામાં આવી છે.
બીજી વંદના સર્વ જિનેશ્વરોને કરવામાં આવી છે. તેઓ અર્હન્ હોવાથી દેવ, દાનવ અને માનવીઓના સ્વામી વડે પૂજાય છે તથા સર્વ કોઈ દેવ, દાનવ અને માનવીઓ પણ તેમની અત્યંત ભક્તિ-ભાવથી પૂજા કરે છે. આ ભક્તિને લીધે ઉત્પન્ન થતા શુભ અધ્યવસાયોથી તેમનાં મનોવાંછિત
પ્ર.૧૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org