Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૧૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
સ્થૂલભદ્રને ન આપ્યું. તે માટે શ્રી સ્થૂલભદ્રે માફી માગી, સંધે વિનંતિ કરી પણ શ્રી ભદ્રબાહુસ્વામી પોતાના વિચારોમાં મક્કમ રહ્યા. છેવટે સંઘના અતિ આગ્રહથી બાકીનાં પૂર્વે માત્ર શબ્દથી આપ્યાં. આ બનાવ પછી પૂર્વેનું જ્ઞાન લુપ્ત થતું ગયું.
વિક્રમના બીજા સૈકામાં ફરી એક બા૨વર્ષી દુકાળ પડ્યો. તેના લીધે પુનઃ શ્રુત અવ્યવસ્થિત થઈ ગયું. પરંતુ વિ. સં. ૧૫૩માં શ્રીઆર્યસ્કંદિલાચાર્યે મથુરામાં શ્રમણસંઘને એકત્ર કર્યો અને તેમાં સૂત્રોની પુનઃ વ્યવસ્થા કરી. બરાબર આ જ અરસામાં સૌરાષ્ટ્રમાં વલભીપુરમાં સ્થવિર નાગાર્જુને પણ સૂત્ર-વ્યવસ્થાનું કામ હાથ ધર્યું અને તેની પુનર્ઘટના કરી. એટલે જૈનસૂત્રોની કુલ ત્રણ વાચનાઓ થઈ. એક પાટલીપુત્રી, બીજી માથુરી અને ત્રીજી વાલભી.
કાલ-ક્રમે પહેલાંનાં સંઘયણો-શરીર-બંધારણો અને સ્મૃતિ ઓછાં થઈ ગયાં હતાં, તેથી સૂત્રો કંઠસ્થ રાખવાં ભારે મુશ્કેલ જણાવા લાગ્યાં. એટલે વીર-નિર્વાણ પછી ૯૮૦મા વર્ષે વલભીપૂરમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે જૈન શ્રમણસંઘને એકઠો કર્યો અને સૂત્રોને ગ્રંથારૂઢ કરવાનો નિર્ણય કર્યો. એ નિર્ણય અનુસાર શ્રીદેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણે સૂત્રોને ફરી વ્યવસ્થિત કર્યાં ને તેને પુસ્તકારૂઢ કરાવ્યાં. આ વખતે પાટલીપુત્રી વાચના તો રહી જ ન હતી, પરંતુ માથુરી અને વાલભી બંને વાચનાઓ હયાત હતી અને તેમાં થોડો થોડો ફેર જણાતો હોવાથી સૂત્રો માથુરી-વાચના પ્રમાણે રાખ્યાં અને પાઠભેદોનો તેમાં સમાવેશ કર્યો. આજે ઉપલબ્ધ થતા આગમો આ રીતે શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણ દ્વારા સંપાદિત થયેલાં છે.
આગમો પર નિર્યુક્તિઓ, ભાષ્યો, ચૂર્ણિઓ અને ટીકાઓ રચાયેલી છે. મૂળ સૂત્ર સાથે તેને પંચાગી કહેવામાં આવે છે. આ વ્યાખ્યા-સાહિત્ય પૈકી નિર્યુક્તિઓ, ભાષ્યો અને ચૂર્ણિઓ પ્રાકૃત ભાષામાં છે, જ્યારે ટીકાઓ મુખ્યતયા સંસ્કૃત ભાષામાં છે.
અઢી દ્વીપ એટલે મનુષ્યલોકમાં જે તીર્થંકરોએ ધર્મનો પ્રચાર પવિત્ર આગમોના અર્થ-પ્રવર્તન દ્વારા કર્યો છે, તે સઘળા વંદનને યોગ્ય છે, અને તેથી શ્રુત-સ્તુતિમાં પ્રથમ નમસ્કાર સર્વ તીર્થંકરોને કરવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org