Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નમો ત્યુ ણું-સૂત્ર ૦ ૩૧૯
૬. વળી શ્રીઅરિહંતદેવોની ઉપયોગિતા જે વિશિષ્ટ કારણોને લઈને માનવામાં આવે છે, તેનું દર્શન સવિશેષોપયોગ-સંપદા દ્વારા કરાવવામાં આવ્યું છે. તેઓ સર્વવિરતિ અને દેશવરતિરૂપ ચારિત્રધર્મના દાતા છે, ધર્મના અતિસમર્થ ઉપદેશક છે, ધર્મના સાચા અર્થમાં સ્વામી છે, ધર્મનું કુશળ રીતે સંચાલન કરવા વડે ધર્મ-૨થના સારથિ છે અને ચારે ગતિનો નાશ કરનાર અનુપમ ધર્મચક્રનું પ્રવર્તન કરવા વડે શ્રેષ્ઠ ધર્મ-ચક્રવર્તી છે. તેમની આ વિશિષ્ટ પ્રકારની ઉપયોગિતા સકલ મુમુક્ષુ જીવોનું આત્યંતિક કલ્યાણ કરનારી હોઈને સહુની સ્તુતિને પાત્ર છે.
૭. શ્રી અરિહંત ભગવંતોનું સ્વરૂપ કેવું છે ? તે જણાવવા માટે સ્વરૂપ-હેતુ-સંપદા કહેવામાં આવી છે. તેઓ સદા અસ્ખલિત એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધારણ કરનારા છે, કારણ કે છદ્માવસ્થાને સંપૂર્ણ રીતે દૂર કરી ચૂકેલા છે.
૮. આવા પૂર્ણજ્ઞાની પરમકૃપાળુ પુરુષોત્તમ પરમાત્મા શ્રીઅરિહંત દેવો અચિંત્ય પ્રભાવ, પરાર્થ-રસિકતા અને સમ્યક્ પ્રરૂપણા વડે મુમુક્ષુઓને પોતાના જેવા જ બનાવી શકે છે-બનાવે છે, તે વાત નિજસમફલ-સંપદા વડે દર્શાવવામાં આવી છે. જેમ કે તેઓ સ્વયં જિન બનેલા છે અને બીજાઓને જિન બનાવે છે; તેઓ સ્વયં સંસાર-સમુદ્રને તરી ગયેલા છે, અને બીજાઓને સંસા૨-સમુદ્રથી તારે છે; તેઓ સ્વયં બોધ પામેલા છે અને બીજાઓને બોધ પમાડે છે તથા પોતે સકલ કર્મ-ક્લેશમાંથી મુક્ત થયા છે અને બીજાઓને કર્મ-ક્લેશમાંથી મુક્ત કરે છે.
૯. સર્વજ્ઞ અને સર્વદર્શી એવા અરિહંત દેવોએ કેવું સ્થાન પ્રાપ્ત કરેલું છે ? તે દર્શાવવા માટે મોક્ષ-સંપદા આપવામાં આવી છે. શ્રી અરિહંત દેવો ચરમ-શરીરનો ત્યાગ કર્યા પછી શિવ, અચલ, અજ, અનંત, અક્ષય અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થાય છે કે જેનું વર્ણન વૈખરી વાણીથી થઈ શકતું નથી. આ કારણોએ જિન અને જિત-ભય એવા શ્રીઅરિહંત ભગવંતોને ભાવોલ્લાસ-પૂર્વક નમન કરવાનું છે, હૃદયના પ્રત્યેક તાર ઝણઝણાવીને તેમના ઉત્તમોત્તમ ગુણોનું ગાન કરવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org