Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ (૩) સ્થાપના-સત્ય : કોઈ પણ વસ્તુની સ્થાપના કરી તેને એ નામથી ઓળખવી, તે સ્થાપના-સત્ય છે. જેમ કે અમુક આકૃતિવાળા અક્ષરને જ જ કહેવો. એકડાની પાછળ બે શૂન્ય ઉમેરીએ તેને સો અને ત્રણ શૂન્ય ઉમેરીએ તેને હજાર કહેવા વગેરે. શેતરંજનાં મહોરાંને હાથી, ઊંટ, ઘોડા આદિ પણ તે જ રીતે કહેવાય છે.
(૪) નામ-સત્ય : ગુણ-વિહીન હોવા છતાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ-વિશેષનું અમુક નામ રાખવું, તે નામ-સત્ય છે. જેમ કે એક છોકરો ગરીબના ઘરમાં જન્મ્યો હોવા છતાં તેનું નામ રાખેલું હોય લક્ષ્મીચંદ્ર.
(૫) રૂપ-સત્ય : કોઈ ખાસ રૂપ ધારણ કરનારને તે નામથી જ બોલાવવા. જેમ કે સાધુનો વેષ પહેરેલો જોઈને તેને સાધુ કહેવા.
(૬) પ્રતીત-સત્ય : (અપેક્ષા-સત્ય). એક વસ્તુની અપેક્ષાએ બીજીની મોટી, હલકી, ભારે આદિ કહેવી, તે પ્રતીત-સત્ય છે. જેમ કે અનામિકા આંગળી મોટી છે. આ કથન કનિષ્ઠાની અપેક્ષાથી સત્ય છે, પરંતુ મધ્યમાં આંગળી કરતાં તે નાની છે.
(૭) વ્યવહાર-સત્ય: (લોક-સત્ય). જે વાત વ્યવહારમાં બોલાય, તે વ્યવહાર-સત્ય છે. જેમ કે પહોંચે છે તો ગાડી, પણ કહેવાય છે ત્યારે જામનગર આવી ગયું. રસ્તો કે માર્ગ સ્થિર છે, તે કાંઈ ચાલી શકતો નથી, તો પણ કહેવાય છે કે આ માર્ગ આબૂ જાય છે. તે જ રીતે સળગે છે ડુંગર ઉપરનું ઘાસ, છતાં કહેવાય છે કે ડુંગર સળગી ઊઠ્યો છે.
(૮) ભાવ-સત્યઃ જે વસ્તુમાં જે ભાવ પ્રધાનપણે દેખાતો હોય, તેને લક્ષ્યમાં લઈને તે વસ્તુનું પ્રતિપાદન કરવું, તે ભાવ-સત્ય છે. જેમ કે કેટલાક પદાર્થોમાં પાંચે રંગો ઓછા-વત્તા પ્રમાણમાં હોવા છતાં, તે તે રંગની પ્રધાનતાને લઈને કાળો, લાલ, પીળો વગેરે કહેવાય છે. દષ્ટાંત તરીકે પોપટમાં અનેક રંગો હોવા છતાં, તેને લીલો કહેવાય છે, તે ભાવ-સત્ય છે.
(૯) યોગ-સત્ય : યોગ અર્થાત્ સંબંધથી કોઈ વ્યક્તિ કે વસ્તુને તે નામથી ઓળખવી, તે યોગ-સત્ય છે. જેમ કે અધ્યાપકને અધ્યાપન-કાલ સિવાય પણ અધ્યાપક કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org