Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૭૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
આ બિંબોની મુદ્રા બે પ્રકારની હોય છે : એક પર્યકાસનમુદ્રા અને બીજી કાયોત્સર્ગ-મુદ્રા; તેમાં જે મૂર્તિ પલાંઠી-વાળીને એટલે ડાબા પગ ઉપર જમણો પગ અને જમણા પગ ઉપર ડાબો પગ ચઢાવેલી સ્થિતિમાં હોય. અને ડાબા હાથની હથેલી ઉપર જમણા હાથની હથેલી મૂકેલી હોય, તે પર્યકાસન-મુદ્રા કહેવાય છે, અને જે મૂર્તિ બંને હાથને સીધા ઇક્ષદંડ જેવા રાખીને કાયોત્સર્ગમાં ઊભેલી હોય, તે કાયોત્સર્ગ-મુદ્રાવાળી કહેવાય છે. આ મૂર્તિઓની પ્રતિષ્ઠા અને પૂજા કેવી રીતે કરવી ? તેનું વિધાન શ્રી હરિભદ્રસૂરિજીએ પંચાશકમાં આપેલું છે.
દરેક તીર્થકરની મૂર્તિ આકારમાં સમાન હોય છે, પરંતુ તે દરેકની નીચે લાંછન (ચિહ્ન) જુદું જુદું હોય છે. તેથી તે મૂર્તિ કયા તીર્થંકરની છે, તે જાણી શકાય છે. મૂર્તિ-પૂજા એ માનવ-સ્વભાવમાં જડાયેલી વસ્તુ છે. એટલે કે બાળકથી માંડીને વૃદ્ધ સહુ કોઈ તેની એક કે બીજા પ્રકારે ઉપાસના કરે છે. ચિત્રો ગમવા, માતા-પિતાની કે ધર્મગુરુઓની છબીઓ જોઈ તેને વંદન કરવું, સન્માન કરવું, પુસ્તકોને સન્માનવાં, માલા આદિ ધાર્મિક ઉપકરણોને સન્માનવાં, અને મૃત્યુ પામેલાઓનું એક યા બીજા પ્રકારે સન્માન કરવું; તે બધા પણ મૂર્તિ-પૂજાના જ પ્રકારો છે.
નિપાવર સત્તરિક્ષય-એકસો ને સિત્તેર જિનેશ્વરો.
તીર્થકર દેવો કર્મભૂમિમાં જ ઉત્પન્ન થાય છે, જેના જુદા જુદા વિભાગોને વિજય કહેવામાં આવે છે. આવા એક વિજયમાં એક કાલે એક જ તીર્થકર હોઈ શકે છે. જંબૂદ્વીપમાં મહાવિદેહક્ષેત્રમાં ૩૨ વિજયો છે, ભરત અને ઐરવતમાં પણ એકેક વિજય છે એટલે બધા મળીને ૩૪ વિજયો છે. જંબૂદ્વીપ કરતાં ધાતકી ખંડમાં ક્ષેત્રાદિ બમણાં હોવાથી તેમાં ૬૮ વિજયો છે; અને અર્ધપુષ્પરાવર્તખંડ ધાતકીખંડ જેટલો હોઈને તેમાં પણ ૬૮ વિજયો છે; પુષ્પરાવર્તનો બાકીનો અર્થો ખંડ મનુષ્યક્ષેત્રની બહાર હોઈને તેમાં વિજયાદિ ક્ષેત્રવિભાગો નથી. આ રીતે જંબુદ્વીપના ૩૪, ધાતકીખંડના ૬૮ અને અર્ધપુષ્કરાવર્તખંડના ૬૮ મળીને ૧૭૦ વિજય થાય છે. જે કાલે દરેક ક્ષેત્રમાં તીર્થંકર વિદ્યમાન હોય છે, તે કાલે તેમની ઉત્કૃષ્ટ સંખ્યા ૧૭૦ની. હોય છે. આવી ઘટના શ્રી અજિતનાથ પ્રભુના વારામાં બની હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org