Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘કરેમિ ભંતે' સૂત્ર ૦૨૨૫
ધિક્કારવા નહિ, તે ઉપેક્ષા-ભાવના છે.
ક્રોધ એ શરીર તથા મનમાં સંતાપ પેદા કરે છે, વેરનું કારણ છે અને શાંતિરૂપ સુખનો અનુભવ થવા દેતો નથી, તેથી ત્યાજય છે. તેનો પ્રતિકાર કે પ્રત્યુપાય ક્ષમા છે. માન એ વિનય, વિદ્યા, શીલ તથા પુરુષાર્થનો ઘાતક છે, તે વિવેકરૂપી ચક્ષુને ફોડી નાખે છે, તેથી ત્યાજ્ય છે. તેનો પ્રત્યુપાય નમ્રતા છે. માયા એ અસત્યની જનની છે, શીલવૃક્ષને છેદનારી કુહાડી છે, મિથ્યાત્વ અને અજ્ઞાનની જન્મભૂમિ છે તથા પારકાનો તેમ જ પોતાનો દ્રોહ કરનારી છે, તેથી ત્યાજય છે. તેનો પ્રત્યુપાય સરલતા છે. લોભ એ અનેક દોષોની ખાણ છે, ગુણોનો નાશ કરનારો રાક્ષસ છે, અને દુ:ખરૂપી વેલના મૂળ-સમાન છે, તેથી ત્યાજ્ય છે. તેનો પ્રત્યુપાય સંતોષ છે. એકંદરે આ ચારે કષાયો સમ્યફચારિત્રના ઘાતક છે અને સમભાવની પ્રાપ્તિમાં મહાન અંતરાય રૂપ છે; તેથી બને તેટલા જલદી તે દૂર કરવા જોઈએ. પરંતુ પ્રજવલિત અગ્નિ વિના જેમ સોનાની કઠોરતા દૂર થઈ શકતી નથી, તેમ ઇંદ્રિયો પર વિજય મેળવ્યા વિના કષાયો જીતી શકાતા નથી. તેથી ઇંદ્રિયોની લાલસા પર જય મેળવવો અંત્યત આવશ્યક છે.
હાથણીના સ્પર્શ-સુખનો સ્વાદ ચાખવા સૂંઢ લંબાવનાર હાથી તુરત જ ખીલા સાથે બંધાવાનું દુઃખ અનુભવે છે. અગાધ પાણીમાં વિચરનારું માછલું કાંટા ઉપરના ખાદ્ય પદાર્થને ગળતાં જ મચ્છીમારના હાથમાં જઈ પડે છે. ગંધ-લોલુપ ભમરો મદ-ઝરતા હાથીના ગંડ-સ્થળ ઉપર જઈ બેસતાં જ તેના સૂપડા જૈવા કાનના સપાટાથી મરણ પામે છે. પ્રકાશિત જવાલાના તેજથી મોહિત થયેલો પતંગ દીવામાં પડતાં જ મરણ પામે છે, અને મનોહર ગીત સાંભળવાને ઊંચી ડોક કરીને ઊભું રહેલું હરણ ધનુષ્ય ખેંચીને ઊભેલા પારધીના બાણથી વીંધાઈ જાય છે. આવી રીતે એક-એક ઇંદ્રિયની લાલસા પણ દુઃખ યા મરણ નિપજાવે છે, તો પાંચે ઇંદ્રિયોની લાલસાવાળાના શા હાલ થાય ? તે વિચારવું જરા પણ મુશ્કેલ નથી.*
સુખની કલ્પનાથી વિષયો ભોગવવાની લાલસા પેદા થાય છે, તે
* શ્રી હેમચંદ્રાચાર્યકૃત યોગશાસ્ત્ર પ્ર. ૪ ના આધારે. પ્ર.-૧-૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org