Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પંચિંદિય-સૂત્ર ૦ ૪૯
ક્રિયાઓ શ્રાવક-શ્રાવિકા માટે સૌથી મહત્ત્વનું ધર્માનુષ્ઠાન છે. આ ધર્માનુષ્ઠાનમાં સામાયિક ગ્રહણ કરતી વખતે જો ગુરુનો યોગ ન હોય, તો ઉપર જણાવી તેવી ગુરુ-સ્થાપના કરવામાં આવે છે. આ અંગેનો વિધિ એવો છે કે સામાયિકાદિ ક્રિયા કરવા ઇચ્છનારે તે માટે કહેલ વિધિ મુજબ શુદ્ધ વસ્ત્રો અને ઉપકરણો ધારણ કરવાં તથા જે સ્થાને બેસીને ક્રિયા કરવાની ઇચ્છા હોય, ત્યાં આસન પાથરવું. તેનાથી ઓછામાં ઓછા સાડા ત્રણ હાથ* સન્મુખની જગા ઉપર એક બાજોઠ મૂકવો અને તેના પર એક સાપડો મૂકી તેમાં ધાર્મિક પુસ્તક, નવકારવાળી આદિ મૂકવાં. પછી નિયત આસને બેસીને ઉપર્યુક્ત પુસ્તક આદિમાં ગુરુપદની સ્થાપના કરવા અર્થે જમણા હાથની સ્થાપના-મુદ્રા રચવી. એટલે કે આંગળીઓ તથા કરતલની આકૃતિ અર્ધસંપુટ જેવી બનાવવી અને જાણે કોઈ વસ્તુને સ્થાપન કરતા હોઈએ તેવી રીતે હાથને સ્થાપનાની સન્મુખ રાખવો. આ મુદ્રાપૂર્વક પ્રથમ મંગલસ્વરૂપ નમસ્કારમંત્ર બોલવો અને પછી આચાર્યના ૩૬ ગુણોનું આરોપણ કરવાને માટે ધીરે ધીરે પંચિંદિય-સૂત્રનો પાઠ ઉચ્ચારવો. આ રીતે જ્યારે તે પાઠ પૂરો બોલાઈ રહે, ત્યારે ઉપર્યુક્ત પુસ્તકાદિમાં આચાર્યની અથવા ગુરુની સ્થાપના થયેલી ગણાય છે અને તેને સ્થાપનાજી કે સ્થાપનાચાર્યના નામથી ઓળખવામાં આવે છે. પછી તેની સમક્ષ સામાયિકાદિ અનુષ્ઠાન કરવામાં આવે છે. તે અનુષ્ઠાન પૂરું થયે જમણો હાથ પોતાની સન્મુખ રાખી નમસ્કારમંત્ર ગણવામાં આવે, ત્યારે તે સ્થાપનાનું વિસર્જન-ઉત્થાપન થયું ગણાય છે.
+
જગતમાં અનેક પ્રકારના દેવો મનાય છે, અનેક પ્રકારના ગુરુઓ મનાય છે અને અનેક પ્રકારના ધર્મો મનાય છે. તે બધા કાંઈ આત્મ-કલ્યાણ કરવામાં કારણભૂત થતા નથી. અરે ! તેમાંના કેટલાક તો ઊલટી અધોગતિને આમંત્રણ આપનારા પણ હોય છે. આથી મુમુક્ષુના હિતને માટે શાસ્ત્રકારો દેવ, ગુરુ અને ધર્મના બે પ્રકારો પાડે છે. કુ એટલે અયોગ્ય અને સુ એટલે
* આ મિત અવગ્રહ છે, મનુષ્યની કાયા સાડા ત્રણ હાથની ગણાય છે -(જુઓ સુગુરુ વંદણસુત્ત-૩૦)
+ ખરતરગચ્છમાં માત્ર ત્રણ વાર નમસ્કારમંત્ર બોલીને જ સ્થાપના કરવામાં આવે છે.
પ્ર.-૧-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org