Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૨૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
તરીકે માનીએ છીએ, અને ભાષાનો તથા અન્ય વ્યવહાર પણ તે રીતે જ કરીએ છીએ, પરંતુ વાસ્તવિક રીતે કાયા એ હું નથી. હું તો તેની અંદર વિરાજી રહેલો આત્મા છે. અર્થાત્ કાયા એ પર-સ્વરૂપ છે. અને આત્મા એ નિજ સ્વરૂપ છે, તેથી હું શબ્દનો અર્થ આત્મા છે અને મારી શબ્દનો અર્થ આત્માની છે. અહીં સૂત્રકારે પણ પ્રાપ શબ્દ જ વાપરેલો છે.
આપણી કાયામાં જે કંઈ ચૈતન્ય, સ્કૂર્તિ, વ્યાપાર કે ક્રિયા દેખાય છે, તે આત્માની શક્તિનો જ પ્રતાપ છે. એટલે આત્માની હાજરી એ જીવન છે અને આત્માની ગેરહાજરી એ મૃત્યુ, મરણ કે અવસાન છે. કાયોત્સર્ગની ક્રિયા દરમિયાન આત્મા શરીરમાંથી ગેરહાજર રહેતો નથી, પણ મમત્વની કે માલિકપણાની ભાવના છોડે છે, તથા શરીરના લાલન અને પાલનની બાબતમાં ઉદાસીન બને છે; અને તેને જ અહીં ત્યાગ ગણવામાં આવ્યો છે.
આ રીતે મારી કાયાનો ત્યાગ કરું છું એ વાક્યનો અર્થ નીચે મુજબ છે :
હું આત્મા મારી પર-સ્વરૂપ કાયાનું માલિકીપણું છોડી દઉં છું, અને તેના લાલન અને પાલનમાં ઉદાસીન-વૃત્તિ ધારણ કરું છું, મતલબ કે જ્યાં સુધી મારો કાયોત્સર્ગમાં રહેવાનો સંકલ્પ ચાલુ છે ત્યાં સુધી, આ પર-સ્વરૂપ કાયાને કોઈ પણ જાતનો ઉપસર્ગ થાય કે પરીષહ આવી પડે તો પણ હું તેને મારી માનીને સામનો કરીશ નહિ, કે તેને બચાવવાની કોશિશમાં પણ પડીશ નહિ. હું મારા નિજસ્વરૂપમાં જ મગ્ન રહીશ.
દેહને હું માનવો તે દેહાધ્યાસ છે; અને તે દેહાધ્યાસને કેન્દ્ર સ્થાને રાખીને જે કાંઈ વિચારો કે વર્તન કરવું તે બહિર્જીવન કે બહિર્મુખતા છે. આવું જીવન જયાં સુધી ચાલુ હોય છે ત્યાં સુધી આત્માનો વિકાસ સાધી શકાતો નથી, કે ઉચ્ચ જીવન તરફ પ્રગતિ કરી શકાતી નથી. જ્યારે એ દેહાધ્યાસ ટળે છે અને આત્માને હું માનીને તેના જ હિત કે તેના જ અભ્યદયની ખાતર સઘળી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ત્યારે તે અંતર્જીવન કે અંતર્મુખતા કહેવાય છે. આવી અંતર્મુખતા જ્યારે પૂરેપૂરી થાય છે ત્યારે તદ્રુપતા કે તન્મયતા પ્રગટે છે; અને તે તન્મયતાવાળો આત્મા જ્યારે ઘાતિકર્મ ખપાવી કેવળજ્ઞાન પામે છે, ત્યારે પરમાત્માના પવિત્ર નામથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org