Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૮૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
થયેલી જીવ વિરાધનાનું પ્રતિક્રમણ અંતઃકરણની ભાવનાપૂર્વક શરૂ કરું છું. ૧. જતાં-આવતાં મારા વડે ત્રસ જીવ, બિયાં, લીલોતરી, ઝાકળનું પાણી, કીડીનાં દર, સેવાળ, કાચું પાણી, માટી કે કરોળિયાની જાળ વગેરે ચંપાયાં હોય;
૨. જતાં-આવતાં મારા વડે જે કોઈ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય;
૩. જતાં-આવતાં મારા વડે જીવો ઠોકરે મરાયા હોય, ધૂળે કરીને ઢંકાયા હોય, ભોંય સાથે ઘસાયા હોય, અરસપરસ શરીરો વડે અફળાવાયા હોય, થોડા સ્પર્શાયા હોય, દુ:ખ ઉપજાવાયા હોય, ખેદ પમાડાયા હોય, બિવરાવાયા (ત્રાસ પમાડાયા) હોય, એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવાયા હોય કે પ્રાણથી છૂટા કરાયા હોય, અને તેથી જે કાંઈ વિરાધના થઈ હોય, તે સંબંધી મારું સઘળું દુષ્કૃત મિથ્યા થાઓ.
(૬) સૂત્ર-પરિચય
ભૂલો સુધા૨વાની કળાનો મુખ્ય આધાર ભૂલના ભાન ઉપર રહેલો છે. જો ભૂલનું ભાન જ ન હોય, તો તેને સુધારવાનો પ્રયત્ન તો થાય જ ક્યાંથી થાય ? એટલે ભૂલનું ભાન થાય તે ખાસ જરૂરી છે અને તે પણ બને તેટલું વહેલું થવું ઘટે છે, કે જેથી તેના વિશેષ માઠાં પરિણામો ભોગવવાનો વખત આવે નહિ.
ભૂલનું ભાન કોને કહેવાય ? અથવા તેમાં ખરેખરી ક્રિયા શું થાય છે ? તે જોઈએ. જ્યારે એક કાર્ય ન કરવા જેવું હોય છતાં થઈ જાય અથવા એક કાર્ય કરવા જેવું હોય છતાં ન થઈ શકે, ત્યારે ભૂલ થઈ ગણાય છે. જેમકે હાથ વડે અગ્નિને પકડવો, અગત્યના કબાટને તાળું ન મારવું વગેરે. આમાં પહેલી ક્રિયા ન કરવા જેવી હતી છતાં થઈ છે અને બીજી ક્રિયા કરવા જેવી હતી છતાં થઈ નથી; તેથી તે બંને ભૂલો ગણાય છે.
બીજી રીતે કહીએ તો સત્પ્રવૃત્તિ અને અસદ્-નિવૃત્તિ એ ભૂલ વિનાની સ્થિતિ છે અને સદ્-નિવૃત્તિ તથા અસત્-પ્રવૃત્તિ એ ભૂલવાળી સ્થિતિ છે. એટલે સત્-પ્રવૃત્તિ અને અસદ-નિવૃત્તિ એ જ ભૂલ સુધારવાની કળાનું રહસ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org