Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
થાઓ.
૨૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
સર્વ ક્ષેત્રના અને સર્વ કાલના અનંત ઉપાધ્યાય મહારાજોને નમસ્કાર
મનુષ્ય લોકમાં રહેલા સર્વ ક્ષેત્રના અને સર્વ કાલના (કેવલજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, જિનકલ્પી, સ્થવિરકલ્પી વગરે) સકલ સાધુઓને નમસ્કા૨ થાઓ.
આ પંચ-નમસ્કાર રૂપ શ્રુતસ્કંધ સર્વ આઠ પ્રકારનાં કર્મોનો વિનાશ કરનાર છે અને ગૌણ પ્રકારે બધાં મંગલોમાં ઉત્કૃષ્ટ તથા નિરંતર વિદ્યમાન રહે તેવું મંગલ છે.
(૬) સૂત્ર-પરિચય
નમસ્કાર એ નમ્રતાનું ચિહ્ન છે, ભક્તિનું નિશાન છે, કૃતજ્ઞતાનો સંકેત છે અને આદર કે સન્માનની લાગણી પ્રદર્શિત કરવાનું સમુચિત સાધન છે, તેથી જ વ્યવહારના અને ધર્મના ક્ષેત્રમાં તેને યોગ્ય સ્થાન પ્રાપ્ત થયેલું છે.
સૂરિ-પુરંદર શ્રી હરિભદ્રસૂરિએ લલિતવિસ્તરા નામની ચૈત્યવંદનવૃત્તિમાં તેની મહત્તા પ્રકટ કરતાં જણાવ્યું છે કે-ધર્મ પ્રતિ મૂલમૂત વર્તના અર્થાત્ ધર્મ પ્રત્યે લઈ જવાને માટે મૂલ-ભૂત વંદના છે, કારણ કે તેના વડે ઉત્પન્ન થતો ભાવોલ્લાસ આત્મક્ષેત્રમાં ધર્મપ્રશંસા-બહુમાનરૂપી બીજને વાવે છે, ધર્મચિન્તનાદિરૂપ અંકુરાઓને પ્રકટાવે છે, ધર્મ-શ્રવણ અને ધર્માચાર રૂપ શાખા પ્રશાખાઓનો વિસ્તાર કરે છે તથા સ્વર્ગ અને મોક્ષનાં સુખોની પ્રાપ્તિરૂપ ફૂલ તથા ફલોને આપે છે.
વન્દના-શબ્દથી અહીં શ્રી અરિહંત ભગવંત, શ્રી સિદ્ધભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાયભગવંત અને સાધુભગવંતોને સંપૂર્ણ આદરભાવથી કરેલો નમસ્કાર સમજવાનો છે, કારણ કે આ વિશ્વમાં ખરા નમસ્કારને યોગ્ય-ભાવવંદનાને પાત્ર તેઓ જ છે. તે માટે શ્રીમહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે-સર્વ જગતમાં ઉત્તમ જે કોઈ થઈ ગયા, જે કોઈ થાય છે અને જે કોઈ થશે, તે સર્વે અરિહંતાદિ પાંચ જ છે, તે સિવાય બીજા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org