Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ઋષભદેવજી -
20
રંગરોગાન કરે છે. બ્યુટીપાર્લરમાં જઈ પેડીક્યોર, ફેસિયલ, મસાજ, આદિના અવનવા નુસખાના અખતરા કરે છે. વટ સાવિત્રી, કડવા ચોથ, અલુણા, આદિના વ્રત રાખે છે. પતિના ભોજન પછી જ પતિની થાળીનું વધ્યું પ્રસાદરૂપે આરોગે છે. ચરણચંપી, અંગમર્દન, આદિથી પતિસેવા કરે છે. પતિનું મનોરંજન કરવા ગાન, વાદન, નૃત્યાદિ કરે છે. સંસારીના સંસારક્ષેત્રે પતિરંજનના આવા બધા ચાળા એ માત્ર “તનું તાપ' એટલે કે તન તાપકાયકષ્ટ જ છે.
યોગીવર્ય કવિશ્રી કહે છે... “એ પતિરંજણ મેં નવિ ચિત્ત ધર્યો રે.” મારા ચિત્તે કાંઈ આવા પ્રકારે પતિરંજન કરવાનું ધાર્યું નથી. “રંજણ ધાતુમિલાપ.મારે મન તો રંજન, રોમાંચ એમાં છે કે જેમાં ધાતુમિલાપ હોય. કાયાથી કાયાનું મિલન એ તો દૈહિક મિલન છે. એ સંયોગાધીન, કર્માધીન છે. એમાં તો કાયાના કામણ ઓસરતાં-ઓછા થતાં તેમાં તરતમતા આવવાની, વિખૂટા પડી જવાની અને મિલાપ વિલાપમાં પલટાવાની સંભાવનાઓ ધણી છે. કાયા કદી એવી ને એવી રહેતી નથી, કાયા રોગનું ઘર છે. એટલે ક્યારે કયો રોગ ઊભરી આવશે અને કાયાને પટકશે તે કહેવાય એવું નથી. વળી ઘડપણ આવતા કાયા જર્જરીત થઈ જઈ એનું સૌંદર્ય અને કૌવત ગુમાવી બેસે છે.
કાયાથી પ્રાપ્ત થતું સંસારીઓનું અબ્રહ્મના સેવનથી પ્રાપ્ત થતું સંસારસુખ એ અબ્રહ્માનંદ છે, જે ક્ષણિક, પરાધીન અને અસ્થાયી છે. એ સંતૃપ્ત, પૂર્ણકામ, બનાવવાને બદલે અતૃપ્તિને ભડકાવે છે. સંસારી જીવ સંસારમાં એની તલપની તૃપ્તિ માટે જાત-જાતના તપ તપતો જ આવ્યો છે. સંસારીને એના દુઃખમય કે કહેવાતા આભાસી સુખમય સંસારને ચલાવવા પણ કેટકેટલા અને કેવા-કેવા જાત જાતના કષ્ટો સહન કરવા પડતા હોય છે.
જ્ઞાની તો મુક્ત રહીને, મુક્ત રાખીને, મુક્તપણે મુક્તિની જ વાતો કરે.