Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સંભવનાથજી
80
પ્રથમ ઋષભજિન સ્તવનામાં સાધ્યનો નિર્ધાર કર્યો. બીજા અજિતજિનની સ્તવના કરતાં એ સાધ્યની પ્રાપ્તિ માટેના માર્ગનુ નિરીક્ષણ એટલે વિલોકનની વાતો કરી અને એ પંથ નિહાળવામાં નડતરરૂપ મુશ્કેલીઓ વિચારી. કાળલબ્ધિ થતાં એ બધી મુશ્કેલી દૂર થશે, એ જણાવ્યા પછી, હવે આ ત્રીજા સંભવજિન સ્તવનમાં ભવસ્થિતિનો પરિપાક કરવારૂપ, યોગની પૂર્વસેવા, કે જે ભૂમિકાની શુદ્ધિરૂપ એટલે કે ઉપાદાન-કારણ તૈયાર કરવા સ્વરૂપ છે તેની વિચારણાને ગૂંથી છે.
જે કોઈ વૃત્તિ કે પ્રવૃત્તિ વિનાશીથી એટલે કે અસથી છોડાવે છે અને અવિનાશીની એટલે કે સત્ની સાથે જોડાણ કરાવી આપે છે તે સર્વ ‘યોગ’ છે. બહુ જાડી ભાષામાં કહીએ તો જાતનું જાતની સાથે જોડાણ-સંધાણ-યોજન કરી આપે તે યોગ છે. એવા યોગને યોગ્ય થવુંતેના માટેની પાત્રતા કેળવવી એ યોગની પૂર્વસેવા છે. એ ભૂમિશુદ્ધિજાતશુદ્ધિ છે. એ જાતશુદ્ધિની વિચારણા એટલે આ ત્રીજું સંભવજિન સ્તવન. જાતની શુદ્ધિ થયા વિના એટલે કે ઉપાદાન કારણ તૈયાર થયા વિના મોક્ષમાર્ગ આરાધાતો નથી અને મોક્ષ પમાતો નથી. જો ઉપાદાનની શુદ્ધિ નથી તો, પ્રબળ નિમિત્ત-કારણ, અપેક્ષા-કારણ અને અસાધારણ કારણ મળવા છતાં ફળતાં નથી.
પૂજ્ય દેવચંદ્રજી મહારાજા પણ મહાવીર સ્તવનામાં જણાવે છે...
સ્વામિ-દરિસણ સમો, નિમિત્ત લહી નિર્મળો,
જો ઉપાદાન એ શુચિ ન થાશે; દોષ કો વસ્તુનો, અહવા ઉદ્યમ તણો, સ્વામિ-સેવા લહી નિકટ લાશે. તાર૦
જીવન તરફનો આપણો અભિગમ એ નક્કી કરે છે કે જીવન આપણા તરફ કેવો અભિગમ રાખશે ?