Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુપાર્શ્વનાથજી ,
246
બ્રહ્માંડ આખાના જ્ઞાન કરીને જે તેજ આપના મુખારવિંદ ઉપર છવાઈ ગયેલ છે અને મુખારવિંદની પાર્શ્વમાં જે આભામંડળ-તેજવર્તુળ રચાયેલ છે તેને કારણે, તેમજ શુદ્ધતા-પવિત્રતાના કારણે આપના અંગેઅંગમાંથી નીતરતી દેદીપ્યમાનતાથી આપ પ્રકાશપૂંજ જેવા લાગો છો! તેથી જ આપ સુપાર્શ્વભગવાન “જ્યોતિ સ્વરૂપ” છો !
શું શું કહીને આપ ભગવાનને બિરદાવીએ? શેની ઉપમા આપીએ અને કયું વિશેષણ વાપરીએ? આપની સાથે તુલના કરી શકાય, સરખામણી કરી શકાય એવું કોઈ તત્ત્વ આ વિશ્વમાં નજરે ચડતું નથી તેથી અમારે કહેવું પડે છે કે આપ સમાન કોઈ નથી એવા અજોડ, અસામાન્ય આપ અસમાન છો ! અનન્ય છો !
અસમાન શબ્દની ફારસી ભાષાના અસ્માન-આસ્માન એટલે આકાશ શબ્દથી વિચારણા કરીએ તો જ્ઞાનથી આકાશ જેવા વ્યાપક છો. આકાશની જેમ આપના જ્ઞાનમાં સર્વ શેયોને સમાવનારા છો. આકાશની જેમ ભેદભાવ વિનાના એટલે કે રાગદ્વેષ રહિત વીતરાગ છો. આકાશ જેવા આપ અરૂપી, અવ્યાબાધ, અગુરુલઘુ છો ! આકાશ જડ-વીતરાગ છે જ્યારે આપ ચેતન-વીતરાગ છો અને તેથી આસ્માનથી પણ મહાન એવા આપ સુપાર્થભગવાન ખરેખર “અસમાન છો ! એવા આપને અમે પ્રણમીએ છીએ - વંદીએ છીએ!
- જે જે અન્યદર્શનકારો પોતપોતાના પરમાત્માને, જે જે નામે સંબોધે છે, તે બધાં જ નામો ખરી રીતે જોઈએ તો, તે અરિહંત પરમાત્મામાં જ ઘટે છે. કારણ કે તે સંબોધનનું વાસ્તવિક અર્થઘટન તેવા ગુણોના ધારક અરિહંતમાં જ તાદશ જોવા મળે છે. અરિહંત એ પ્રકૃષ્ટ ગુણવાચક તત્ત્વ છે. એ વ્યક્તિવિશેષનું નામ નથી પરંતુ વ્યક્તિના વૈશિષ્ટયને સૂચવનારું ગુણવાચક નામ છે.
ઘરમાં કે બહાર ક્યાંય અથડામણ-કલેશ ન થાય, એવી રીતે વ્યવહાર કરે તે બુદ્ધિશાળી.