Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
265
હૃદય નયન નિહાળે જગધણી
5
નિજપદ – પરમાત્મપદ આપનારા ‘ધણી’ છો !
આ
રીતે મુક્તિ મેળવીને મુક્ત-સિદ્ધ થયેલ આપ, અમે સિદ્ધશિલાએ પરમપદે આપની હરોળમાં બિરાજમાન નહિ થઈએ ત્યાં સુધી સાથ નિભાવનાર ધર્મસારથિ-ધમ્મ સારહીણ પણ છો અને જગસત્થવાહ એટલે કે ‘જગતના સાર્થવાહ’ પણ છો ! ‘મુક્તિ પરમપદ’ સાથ છો !
આવા પરમોપકારી સુપાર્શ્વનાથ પ્રભુને અમે ભાવભીના હૈયે વંદન કરીએ છીએ !!!
સુપાર્શ્વનાથ પ્રભુ એ નામ હોવાથી વ્યક્તિ છે. પણ તેમાં રહેલ આર્હત્ત્વ એ પદ છે. પંચ પરમેષ્ઠી’તે પદ છે. વંદના પદને કરવાની છે, નહિ કે વ્યક્તિને. પદની વંદનામાં વ્યક્તિની વંદના સમાવિષ્ટ છે. વ્યક્તિને પણ વંદના ત્યારે જ થાય છે, કે જ્યારે તે પદારુઢ છે.
પદ તે કહેવાય કે જેમાં પદાર્થ હોય અને પદાર્થ તે કહેવાય કે જેની પાછળ પરમાર્થ હોય. આમ પદ એ તદંતર્ગત રહેલ પદાર્થ દ્વારા આગળ ઉપર પરમાર્થને પ્રાપ્ત કરાવવા વડે પરમાત્માની પ્રતીતિ કરાવે છે. માટે જ લોકોત્તર એવા જૈનશાસનમાં પદનું મૂલ્ય અદકેરું છે. પદ એ મહાન છે. પદ એ શાશ્વત છે જ્યારે વ્યક્તિ અશાશ્વત છે. માટે જ પ્રભુ પ્રતિમાપૂજનની પૂર્વમાં અને પછી પણ સિદ્ધચક્ર ભગવંતની પૂજા થઈ શકે છે. પ્રભુ પ્રતિમા એ લાંછનયુક્ત વ્યક્તિવિશેષનો સ્થાપના નિક્ષેપો છે જ્યારે સિદ્ધચક્રયંત્ર એ પદનો અને પદારૂઢ વ્યક્તિસામાન્યનો સ્થાપના નિક્ષેપો છે. સિદ્ધચક્રયંત્ર એ તો યંત્રાધિરાજ છે કેમકે એ મોક્ષમાર્ગનો નકશો છે.
ક્રિયા ઘર્મની પણ રૂચિ સંસારની છે તો મોક્ષ નથી કારણકે રાગાદિ પરિણમન છે.