Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુપાર્શ્વનાથજી , 268
અધ્યાત્મમાં વ્યક્તિની વંદના નથી. વ્યક્તિના ગુણને વંદના છે. ગુણીની વંદનામાં ગુણની વંદના છે. એથી વ્યક્તિનું ઋષભ, અજિત, સુપાર્શ્વ નામ ગૌણ બની જાય છે અને ગુણ પ્રધાન થઈ જાય છે. પછી સુપાર્શ્વજિન વંદનામાં અતીત, અનાગત, વર્તમાન ચોવીશી સહિત અનંતાનંત ચોવીશીના સર્વ અરિહંતની વંદના સમાવિષ્ટ થઈ જાય છે. નમસ્કાર મહામંત્રમાં ગુણવંદના છે.
- નમસ્કાર-નવકારમંત્ર એ વિશ્વમંત્ર છે. મંત્ર છે જૈનધર્મનો પણ એની ઉપર કાંઈ જૈનદર્શનનો ઇજારો નથી. એ વિશ્વ સમસ્તને લાગુ પડતો મંત્ર છે. આહત્યમાં ત્રણે કાળ અને ત્રણે લોકને સમાવી લીધા છે. એક નમસ્કારમાં ત્રણે કાળ અને સર્વલોકમાં રહેલ સર્વવિભૂતિઓને સ્થાન આપવામાં આવ્યું છે. જગતની કોઈ વિભૂતિ એ નમસ્કારની બહાર નથી. માટે નમસ્કાર મહામંત્રની આરાધક જીવરાશિથી નિરપેક્ષ ન રહી શકે. નવકાર મહામંત્રસ્વરૂપ પંચ પરમેષ્ઠીમાં ભાવજગતની એકતા છે. માટે જ એ મહામંત્ર દ્વારા કરાતો નમસ્કાર તેના આરાધકમાં જીવમાત્ર પ્રત્યે કરુણા વહાવે છે. એ મહામંત્રનો ગણનાર કે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરનાર આરાધક આત્મા ક્યારેય કરુણા વિહોણો કઠોર હોય તેવું ન બની શકે.
આ જગત ઉપર વિશુદ્ધ ચૈતન્યનું સામ્રાજ્ય છે. પરમ સામ્ય અવસ્થાનું સામ્રાજ્ય છે. તેનું આદર બહુમાન કરનાર સંસારથી છૂટી સિદ્ધ બની મોક્ષમાં જાય છે. જ્યારે તેની અવહેલના કરનાર ભંજક સંસારમાં રૂલે છે. એક અરિહંતને ભાવપૂર્વક નમસ્કાર કરાતાં સકલ જીવ સાથે મૈત્રીના હસ્તાક્ષર થાય છે. મૈત્રીના કોલકરાર થાય છે. આપણી મૈત્રી ખંડિત છે. માટે પરમાત્માને કરાયેલ નમસ્કાર સાચો નથી. જિનભક્તિ, જીવમૈત્રી અને ઋણમુક્તિ એ ત્રણેનો સુભગ ત્રિવેણી સંગમ સધાવો જોઈએ.
સ્વર્ગ કે નરક ક્યાં જાવ છો તેનું મહત્વ નથી પણ કેવા સરકાર લઈને જવ છો તેનું મહાત્ય છે.