Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
277 હૃદય નયન નિહાળે જગધણી 卐
ભવિતવ્યતાએ બહાર નીકળી વ્યવહારરાશિમાં આવ્યા પછી પણ જે અફળાયો-ફંગોળાયો-પીલાયો-પીસાયો-ટીચાયો–અથડાયો–કૂટાયો છે; તે ભવભ્રમણની ભટકામણની વ્યથાની કથા; અધ્યાત્મયોગી કવિ શિરોમણિ આનંદઘનજી હવેની આ ગાથા બે, ત્રણ અને ચારમાં કરી રહ્યાં છે.
સૂક્ષ્મ નિગોદ એટલે જે નરી આંખે, સ્થૂલ-દૃષ્ટિએ, નહિ દેખાતી એવી ચૈતન્યની અત્યંત નિકૃષ્ટ અવસ્થા છે, તે અવ્યવહારરાશિની જીવ સૃષ્ટિ છે; જેને દિવ્યજ્ઞાની અને કેવળજ્ઞાની જ દેખી શકે છે અને જાણી શકે છે. એક શ્વાસોશ્વાસ લેવાય તેટલા ટૂંકા સમયમાં સૂક્ષ્મ નિગોદના જીવ સત્તર વખત જન્મમરણ પામે છે અને અઢારમી વખત જન્મે છે..
એ એ સૂક્ષ્મ નિગોદના અવ્યવહારરાશિના જીવને એક માત્ર સ્પર્શેન્દ્રિય છે. આંખ પણ નથી અને મન પણ નથી. તેથી પ્રભુ પરમાત્મા ત્યાં દેખવા પણ નથી મળ્યા અને પ્રભુની પ્રભુતા એટલે કે પરમાત્મત્વ જાણવા પણ મળ્યું નથી.
એક જીવ શિવ-સિદ્ધ થતાં, તે કોઇક અજ્ઞાત સિદ્ધભગવંતની કૃપાએ અને મારી ભવિતવ્યતાએ કરીને, અનંતી જીવરાશિમાંથી હું એ અવ્યવહારરાશિની સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળી વ્યવહારરાશિની બાદર નિગોદમાં આવ્યો. ગાઢ અંધકારમાંથી બહાર આવવા છતાં અંધકાર તો રહ્યો જ. અહીં પણ ન આંખ મળી, ન મન મળ્યું. માત્ર સૂક્ષ્મતાની અપેક્ષાએ પ્રમાણમાં વિકસિત બાદરતાની દશાને પામ્યો. છતાં પરમાત્માના દરિસણ અને સમજણની અત્યંત વિશેષતા-અપૂર્વતાથી તો હું સંપૂર્ણપણે વંચિત જ રહ્યો.
છુંદાતો-પીલાતો-પીસાતો-ચગદાતો-કચડાતો બાદ નિગોદમાંથી
જીવ જાતનો અવિનાશી હોવાથી અજ્ઞાનતામાં પણ વિનાશીમાંથી ય અવિનાશીની જાતનું સુખ શોધે છે.