Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી શીતલનાથજી
382
ક્ષાયિક-ભાવે રહેલા હોવાથી અને પ્રતિસમયે પોતાના ભાવમાં અનંત, અક્ષય ભાવે પરિણામી હોવાથી પરમાત્મા પ્રત્યેક સમયે પોતાના જ અનંત પર્યાયના ભોગી એવા, સંપૂર્ણ સચ્ચિદાનંદમય વ્યક્તિરૂપ છે. સ્વશક્તિની વ્યક્તતાથી પરમાત્મા પરમાત્મસ્વરૂપે વ્યક્તિ છે.
આમ છતાં પરમાત્મા પોતાના સ્વક્ષેત્રે અગુરૂ-લઘુ ભાવે પોતાના જ જ્ઞાનાદિ સ્વ-ગુણોમાં પરિણામ પામતાં હોવાથી પરદ્રવ્ય સંબંધે અવ્યક્તિ પણ છે.
વળી પરમાત્મા જ્યાં સુધી સદેહી-સયોગી-સાકાર છે ત્યાં સુધી એમની વ્યક્તિ તરીકેની વ્યક્તતા દૃષ્ટ છે. પરંતુ સિદ્ધાવસ્થામાં સિદ્ધસ્વરૂપે સિદ્ધ પરમાત્મા તરીકે અદેહી-અયોગી-નિરાકાર પરમાત્મા થતાં વ્યક્તિ હોવા છતાં અને વ્યક્તતા હોવા છતાં તેઓ નિરાકાર હોવાથી જગતના છદ્મસ્થ, સંસારી જીવોને વ્યક્તિરૂપે દૃષ્ટ નથી. આમ તેઓ વ્યક્તિ છે પણ અને વ્યક્તિ નથી પણ એવી સ્યાત્ અસ્તિનાસ્તિની ત્રીજી દશા છે.
“શક્તિ-વ્યક્તિ, ત્રિભુવન પ્રભુતા....'' પરમાત્મા શક્તિસ્વરૂપ અને શક્તિની વ્યક્તતારૂપ વ્યક્તિસ્વરૂપ હોવાની સાથે સાથે ત્રિભુવન ઉપરના પ્રભુત્વથી પરમાત્મા પૃથ્વી-પાતાળ-સ્વંગ અથવા તો અધોલોકતિધ્નલોક-ઉર્ધ્વલોક ઉપર સત્તા ધરાવનાર ત્રિભુવનપતિ છે. ત્રિભુવનની પ્રભુતાથી પરમાત્મા શક્તિસ્વરૂપ-વ્યક્તિસ્વરૂપ અને પ્રભુસ્વરૂપ છે.
લોકાલોકરૂપ સમસ્ત જગતમાં રહેલા સમસ્ત દ્રવ્યોના ત્રૈકાલિક સમસ્ત પર્યાયોના જ્ઞાતા-દૃષ્ટા હોવાથી ત્રણે જગતની પ્રભુતા એટલે પરિણમનની સ્થિતિ, જ્ઞાતા-દષ્ટા ભાવે એમનામાં રહેલી હોવાથી શ્રી તીર્થંકર પરમાત્મા ત્રિભુવનના સાચા પ્રભુ છે.
નમ્રતા એ જ્ઞાનનું પાયન છે. અહંકાર એ જ્ઞાનનું અજીર્ણ છે.