Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
249 - હૃદય નયન નિહાળે જગધણી
અલખ લખ્યા કિમ જાવે હો, ઐસી કોઈ યુગતિ બતાવો.”
- ચિદાનંદજી મહારાજ હે નાથ ! અલખ એવા આત્માના સ્વરૂપને કઈ રીતે લખી શકાય? અકલ-અકળ એવા આત્માને કઈ રીતે કળી શકાય? એટલે કે ઓળખી કે સમજી શકાય? એનો કોઈ કીમિયો કે યુક્તિ આપની પાસે હોય તો તે બતાવો! પ્રશ્નના જવાબમાં કહે છે...
“અલખ રૂપ હોઈ અલખ લખાવે, અલખ ભેદ ઈમ પાવે હો” - પોતાનો આત્મા સ્વયં અલખ સ્વરૂપ થઈ જાય એટલે કે ઉપયોગ વિષયાકારે ન પરિણમતા, આત્માકારે પરિણમી જાય ત્યારે અલખઅગોચર એવો આત્મા લખી એટલે કે સમજી શકાય અને કળી શકાય.
પુદ્ગલની આસક્તિ છોડીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં નિમજ્જન થાય ત્યારે ભગવાન લખ્યા જાય છે અર્થાત્ કળ્યા જાય છે-અનુભવ્યા જાય છે. સર્વ ઠેકાણેથી રૂચિને ખેંચી લઈ ઉપયોગ આત્મામાં સઘન બનાવવાનો છે. વૈરાગ્ય, દાવાનળ જેવો ધીકતો થાય ત્યારે ભીતરમાં રહેલાં કર્મ ઇંધણ બળીને ભસ્મીભૂત થઈ જતાં પોતાનો જ આત્મા એના પરમાત્મ સ્વરૂપે અનુભવાય છે. આ છે “અલખ' શબ્દનો નિચોડ કે જે વિશેષણથી ભગવાનશ્રી સુપાર્શ્વનાથને નવાજ્યા છે.
કોઈપણ ક્ષેત્રના અને કોઈપણ કાળના કોઈપણ દ્રવ્યનો કોઈપણ ભાવ આપને સ્પર્શી શકતો નથી. એટલે કે દ્રવ્યનો કોઈપણ ભાવ ન તો આપનું રંજન કરી શકે છે કે ન તો આપને આંજીને લેપી કે ખરડી શકે છે. આપ સર્વથા કર્મમલ રહિત નિર્મળ “નિરંજન' થયા છો, કેમકે આપ વીતરાગ બન્યા છો !
आत्माज्ञानभवं दुःक्खं आत्मज्ञानेन हन्यते। तपसाप्यात्मज्ञानहीनैश्रछेतुं न शक्यते।।
- યોગશાસ્ત્ર કલિ. સર્વ. હેમચંદ્રાચાર્ય