Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
133
- હૃદય નયન નિહાળે જગધણી
આ રૂપક દ્વારા કહેવાનું તાત્પર્ય એ છે કે, જેટલા જેટલા વિચારોવિકલ્પો છે, તે બધાય “હું” અને “મારાપણાની પેદાશ છે. “હું અને મારા' પણાની ફોજોની ફોજો, આખી ને આખી અંતરમાં વણઝારાની પોઠોની જેમ ધામા નાખીને, અડીંગો જમાવીને બેંધી પડી ગઈ છે. આ અંતરંગ ફોજ-આંતર રિપુઓની સામે ભીષણ આંતરયુદ્ધ ખેલવાનું છે. ધન્ના, શાલિભદ્ર અને મેઘકુમાર જેવાઓથી ખેડાયેલો આ વીરોનો માર્ગ છે પણ કાયરોનો નહિ. શૂરવીર બનીને ક્ષાત્રવટ દાખવવાનું છે. કાયર. નથી બનવાનું. ચોવીશે તીર્થકરો ક્ષત્રિયકુળના હતા અને ક્ષાત્રવટ દાખવી જિનેશ્વર થયા હતા. આ હું અને મારાપણાના આંતર શત્રુઓને હણી નાખવામાં આવે તો અરિહતમાંથી અરિહન્ત બનાય અને અરિહન્તના દરિસણ - દિવ્યદર્શન થાય.
| દિલનો દીવો – આત્મજ્યોત બુઝાઈ ગઈ છે, તેથી જીવનેમાનવીને માનવનગરે આવીને પણ આત્મવ્યાપાર-આત્મવ્યવહાર કરવાનું સુઝતું નથી. આત્મવ્યાપાર કરવા જરૂરી એવું આત્મતત્ત્વ-આધ્યાત્મિકતત્ત્વ એને સમજાતું નથી. સમજાવનારા આડતિયા અનુભવી ગુરુઓ ક્યારેક સદ્ભાગ્યે મળી પણ જાય છે; છતાંય જીવને તેની ઓળખ નહિ થવાથી, એની અગત્યતા, મહત્ત્વતા, મૂલ્યાંકનતા ન થવાથી શ્રદ્ધાન થતું નથી. તેથી ભરવાડ હીરાને કાચનો ટૂકડો સમજી ઘેટાંના ગળે બાંધે એવી નાદાનીમૂર્ખતા થાય છે. આમ થવાનું કારણ એ છે કે આગળ કહ્યું તેમ, સંસારીનું જ્ઞાન પ્રતિપળ પર-પદાર્થમાં “હું” અને “મારાપણું કરી અજ્ઞાનરૂપે પરિણમી રહ્યું છે. અજ્ઞાનીને જ્ઞાનમાં શુષ્કતા-નીરસતા અને ક્રિયામાં જડતા વર્તતી હોય છે જ્યારે મોક્ષનો માર્ગ તો જ્ઞાનમાં પળેપળની જાગૃતિરૂપ અપ્રમત્તતારૂપ અને ક્રિયામાં વિધિચુસ્તતારૂપ શુદ્ધતાનો માર્ગ છે.
સંસારના સુખને સારું માનવામાં સમસ્ત સંસારની અનુમોદના થાય છે; તે મિથ્યાત્વ જ છે.