Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
201
હૃદય નયન નિહાળે જગધણી 卐
કેવળજ્ઞાન કલ્યાણકની ઉજવણી કષાયનાશનું અને વીતરાગતા, સર્વજ્ઞતા, સર્વદર્શીતા, સર્વનંદીતાની પ્રાપ્તિનું કારણ છે. ભગવાનનાં નિર્વાણ કલ્યાણકની ઉજવણી અયોગી, અશરીરી થવાનું કારણ છે. આમ પ્રભુના એક એક કલ્યાણકની ઉજવણી આત્માના એક એક દોષના નાશ અને એક એક ગુણની પ્રાપ્તિ માટે છે.
કર્મવિપાક એટલે કે કર્મફળ એ તો મારા જ સેવેલાં દોષોનું ફળ છે. મારા જ કરેલા અને બાંધેલા કર્મના વિપાક-કર્મફળને મારે ભોગવવાના છે. એમ કારણને જોઈને જાણીને, એ ઔદયકભાવનો સાક્ષી બની જઈને, સંવરભાવમાં રહીને, જે સકામ કર્મનિર્જરા કરે છે, તે સકર્મકમાંથી અકર્મક થાય છે. એમ મતિમંત, જ્ઞાની, ગુરુ-ભગવંતો ફરમાવે છે. કર્તા-ભોક્તા બનવાને બદલે જો જ્ઞાની બની જ્ઞાતા-દૃષ્ટા થઈશું તો ભાવિ ઉજ્જવળ બનશે અને એક કાળ એવો આવશે કે કાળથી પર કાળાતીત અકાલ બની જવાશે.
કવિવર્ય સાધકતાની અતિ ઉપયોગી વાત આ પ્રસંગે રજૂ કરે છે. સામાન્યથી કર્મનો વિપાક બે રીતે હોય છે. ૧) રસોદય ૨) પ્રદેશોદય.
રસોદયમાં તે કર્મને સંપૂર્ણ ભોગવવાનું હોય છે જ્યારે પ્રદેશોદયમાં તે કર્મ અન્ય સ્વરૂપે વેદાઈને ભોગવાઇ જાય છે. ઉદાહરણ તરીકે નરકગતિનો અબાધાકાલ પૂરો થતા રસોદયની સંભાવના ઊભી થાય છે પણ તે વખતે જીવ મનુષ્યગતિને ભોગવી રહ્યો હોય છે તો તે નરકગતિના દલિકો (કર્મપ્રદેશો) મનુષ્યગતિના રસોદયમાં સામેલ થઈ ભોગવાઈ જતા હોય છે તેથી નરકગતિનું વેદન થતું નથી માટે આ ઉદયની બહુ ફિકર-ચિંતા કરવા જેવી નથી.
નિરપેક્ષ તત્ત્વને પકડવા નિરપેક્ષ ભાવ તરફ ઉપયોગ જવો જોઈએ.