Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અભિનંદન સ્વામીજી 154
પ્રભુદર્શન અને પ્રભુદર્શનથી થતું પ્રભુતાદર્શન-સમ્યગ્દર્શન એ સુખસંપદા છે. એ સમ્યગ્દર્શનથી જ આત્મસુખનો આરંભ છે. સમ્યગ્દર્શનથી થતાં તત્ત્વદર્શનથી આરંભાતો તત્ત્વાનંદ જ જ્ઞાનાનંદ અને સહજાનંદમાં લઇ જઇને પૂર્ણાનંદ-પૂર્ણકામ સુધી પહોંચાડે છે. આમ પ્રભુદર્શનથી સકલ એટલે કે સર્વ પદાર્થ-સર્વ મનોરથની સિદ્ધિ સાંપડે છે. કારણ કે વીતરાગ થવાથી ઈચ્છાની તૃપ્તિ થાય છે અને કેવળજ્ઞાન-સર્વજ્ઞતાના પ્રાગટ્યથીનિર્વિકલ્પતાથી વિચારની તૃપ્તિ થાય છે. મનમાં ઉભરતી, અનંત ઈચ્છાઓનો અને વિચારોના તરંગનો અંત આવી જતાં મન, અમન થઈ જાય છે. વિચાર એ જ્ઞાનાવરણીય કર્મનું પરિણામ છે અને ઈચ્છા એ મોહનીયકર્મનું પરિણામ છે, તેમજ ઈચ્છા થવી તે તેના અભાવને સૂચવે છે, જે અંતરાયકર્મ છે. વળી જ્ઞાનાવરણીયકર્મ જ્યાં છે ત્યાં દર્શનાવરણીયકર્મ ભેગું જ હોય છે. આમ મન જ ઘાતિકર્મોનો ડુંગર છે જે દર્શનની આડે આવે છે. મન મળી જાય-વળી જાય-ભળી જાય-ગળી જાય તો અમન બનેલું મન, મનમોહનના દરિસણને પામે જે મનમોહન બનાવે એટલે કે મનમાંના મોહનું હનન કરી મનમોહન થાય.
આમ પ્રભુદર્શન એ ક્રિયા છે અને સ્વયંની પ્રભુતાનું પ્રકાશન એ ભાવ છે. અથવા તો પ્રભુદર્શન એ કારણ છે અને પ્રભુતાનું પ્રકાશન એ કાર્ય છે.
ક્રિયા પુદ્ગલના માધ્યમથી થતી હોવાથી તેમાં ક્રમિકતા, પરાધીનતા અને સીમિતતા છે. જ્યારે ભાવમાં કચિત્ સ્વસત્તા હોવાથી એમાં સ્વાધીનતા અને વ્યાપકતા છે. ભગવાનની વરસીદાનની ક્રિયામાં ક્રમિકતા, પરાધીનતા અને સીમિતતા છે. કેવળજ્ઞાન થયા પછી તીર્થંકર નામકર્મના ઉદયકાળમાં દેવાતા જ્ઞાનદાનમાં અક્રમિકતા, સ્વાધીનતા અને વ્યાપકતા છે.
જે જાણનારું જ્ઞાન છે તે જાણનારને જાણે તે જ જ્ઞાન છે.