Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અભિનંદન સ્વામીજી
152
ત્યાં પછી દિવ્યદર્શન એવા કેવળદર્શનને પમાડનાર સત્યદર્શન-સમ્યગ્દર્શન તો કેમ કરીને પમાય ?
“દરિસણ દરિસણ પોકારતો ફરું તો છું પણ, આડા અંતરાયોવિઘ્નો અનેક છે. પ્રથમ તો ભિન્ન ભિન્ન દર્શનો(મતો)ના પ્રબળ ઊગ્ર ઝઘડા-વિવાદ-વાંદના વિષપાનના કોઠાને પસાર કરવો પડે છે. એ કોઠો પસાર કરીને જિનમત-આત્મદર્શન-વીતરાગદર્શનમાં સ્થિર થઈએ છીએ તો જાતે જ બાંધેલાં જાતના ઘાતિકર્મોના આડા આવતા ડુંગરાઓ પ્રભુ! તારા દર્શન થવા દેતા નથી !’’
છતાંય સંગની, સોબતી કે સાથીની પરવા કર્યા વિના કાઠો થઈને દર્શન તરસ્યો, દર્શનની પ્યાસ છીપાવવા એકલપંડે આગળ વધવાનું સાહસ કરું છું, તો મારી હાલત રણમાં રઝળતા રોઝ જેવી થાય છે.
રોઝ એ રણવગડામાં રખડતું, ઘોડાના આકારનું મજબૂત બાંધો ધરાવનાર, અક્કલ વગરનું જંગલી જનાવર છે; જે નીલગાય તરીકે પણ ઓળખાય છે. વ્યવહારમાં પણ ધ્યેયહીન, નિરુદ્દેશ, રખડું જીવન જીવનારી, હડિયાપાટુ કરનારી વ્યક્તિને રણના રોઝ તરીકે કેટલેક ઠેકાણે સંબોધવામાં આવે છે. આ જુની ગ્રામ્યભાષામાં વપરાતો ભાષાપ્રયોગ છે.
આ વનચર પશુ રોઝ, ઉનાળામાં પાણીની તરસથી પીડાતું, પાણીની શોધમાં રણમાં આમતેમ ભટકતું હોય છે. એ ઝાંઝવાના નીરને એટલે કે મૃગજળને પાણી સમજી લઇ મૃગજળના પાણીના આભાસ પાછળ ગાંડુ થઈને દોડતું હોય છે. જેમ જેમ એ દોડતું જાય છે એમ એમ એ મૃગજળ પણ આઘું ને આછું ઠેલાતું જાય છે. કારણ કે એ સૂર્યતાપથી તપેલી રણની રેતીના કારણે સર્જાતું, છેટેથી પાણીનો ભાસ કરાવતું મૃગજળનું દર્શન છે.
જ્ઞાનસિદ્ધ થવું તે મોક્ષમાર્ગ છે અને જ્ઞાન જ્ઞાનમાં સમાય અર્થાત્ મતિજ્ઞાન કેવળજ્ઞાનમાં લય પામે તે મોક્ષ છે.