Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુમતિનાથજી , 170
મને શું મળે? પછી તે વર્તુળ વિસ્તરીને સ્વજનકેન્દ્રી બને છે. પોતાના પુત્રપરિવાર અને સગાવહાલા સુધી વિસ્તરે છે. એ વર્તુળ વધુ વિસ્તરે છે ત્યારે તે સજ્જનકેન્દ્રી બને છે. સારા ગુણીજનોને સર્જન-સજ્જનોને પોતાના મનાવવા સુધી વિસ્તરે છે – વિશાળ થાય છે. પછી તે “વસુધૈવ કુટુમ્બકમ્'; “સવિ જીવ કરું શાસનરસી”; “આખા વિશ્વનું મંગળ થાઓ!' ની ભાવનાથી ભાવિત થઈ સચરાચર સુધી વ્યાપક થાય છે ત્યારે સાધક વર્તુળની બહાર નીકળી જાય છે. સંકુચિત મન વિશાળ વ્યાપક બની જાય છે. રાગ-મોહ વ્યાપક થઈ વીતરાગસ્વરૂપ-પ્રેમસ્વરૂપ બને છે. સર્વજનકેન્દ્રી સર્વોદયની ભાવનામાં આવી જાય છે અને ત્યારે સર્વના ઉત્કર્ષમાં સ્વ-ઉત્કર્ષ જુએ છે અને સર્વની રક્ષામાં સ્વરક્ષા સમજે છે. પહેલા જે માત્ર પોતાનો વિચાર જ કરતો હતો તે પરિવાર, સ્વજન, જ્ઞાતિ, સમાજ, સંઘ, શાસન, ગ્રામ, નગર, પુર, પાટણ, દેશ, રાષ્ટ્ર, વિશ્વ અને સચરાચર-પર્યાવરણ સમસ્તના હિતની વિચારણા કરવા સુધી વિકસિત થઈ વિશાળ-વ્યાપક બને છે. પરિપૂર્ણતાને વરે છે.
ભગવાનને અર્પિત થઈ જવું એટલે કે ધર્મમાં જ પ્રવર્તન કરવું કે જેથી અધર્મની પ્રવૃત્તિથી બચી જવાય. આત્મજ્ઞાની પુરુષના ચરણોમાં સર્વાર્પણ કરવા જણાવ્યું છે કારણ કે જ્ઞાનીઓના ચરણમાંથી વહેતો શક્તિનો સ્રોત આપણામાં વહેતો કરી શકાય. ભારતીય સંસ્કૃતિમાં પાયેલાગણ-ચરણસ્પર્શનું બહુ અદકેરું મહત્વ છે. મહર્ષિ માનતુંગઋષિ ભક્તામર સ્તોત્રમાં પ્રભુ ચરણકમલ ગુણગાન કરતાં કહે છે.
ભક્તામર-પ્રણત-મૌલિ-મણિ-પ્રભાણા, મુદ્યોતકં દલિત-પાપ-તમો-વિતાન; સમ્યક્ પ્રણમ્ય જિનપાદ-યુગે યુગાદા, વાલંબન ભવજલે પતતાં જનાનામ્ –
ગુણરૂયિ એ તત્ત્વતઃ મોક્ષરૂયિ છે.