Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
141
હૃદય નયન નિહાળે જગધણી 卐
વસ્તુત્ત્વનું નિરૂપણ એના બધાય ધર્મોને લક્ષમાં રાખી અનેકાન્ત શૈલીએ કરવામાં આવે તો સત્યનિરૂપણ થાય, જે પ્રમાણભૂત બને. અન્યથા જ્યાં એકાન્ત દર્શન છે ત્યાં, વસ્તુતત્ત્વના અન્ય ધર્મો-ગુણો-Properties નો અપલાપ થતો હોવાથી તેવું દર્શન સમ્યગ્ નથી હોતું પણ મિથ્યા એટલે કે ખોટું-અવળું-વિપરીત દર્શન હોય છે.
નય-સાપેક્ષ વિચારણા કરવી તે ન્યાયી વિચારણા છે પણ નયનિરપેક્ષ નય રહિતની વિચારણા તે અસંગત અન્યાયી વિચારણા છે. નયો અનેક છે. જેટલાં જેટલાં વિકલ્પો-મતો-દર્શનો છે તે નય છે.
जावइआ वयणपहा तावइआ चेव होंति नयवाया।
जावइआ नयवाया तावइआ चैव परसमया ॥ - પૂ. સિદ્ધસેનદિવાકરસૂરિજી-સમ્મતિતર્ક
જેટલાં વચનમાર્ગો છે તેટલાં નયવાદ છે અને જેટલા નયવાદ છે તેટલાં પરસમય એટલે કે મતમતાંતરો-વાદો-સંપ્રદાયો છે. જૈનદર્શનમાં એ નયોનું વિભાગીકરણ પ્રધાનતાએ બે મુખ્ય નય દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક અથવા નિશ્ચયનય અને વ્યવહારનયમાં કરવામાં આવ્યું છે. બાકી વસ્તુનિરૂપણ જુદા જુદા સાત નય ૧) નૈગમ ૨) સંગ્રહ ૩) વ્યવહાર ૪) ઋજુસૂત્ર ૫) શબ્દ ૬) સમભિરૂઢ અને ૭) એવંભૂત નયથી કરવામાં આવે છે.
આત્મામાં રહેલ જ્ઞાન ગુણનો એક અંશ (વિભાગ) તે નય. પોતાને સમજવા માટે નયનો ઉપયોગ કરાય તે ‘જ્ઞાનાત્મકનય’ કહેવાય છે અને બીજાને તત્ત્વ સમજાવવા નયનો ઉપયોગ થાય છે તે ‘વચનાત્મકનય’ કહેવાય છે.
પર્યાયમાં ૧૮ પાપસ્થાનકની પરિણતિરૂપ સંકલેશનું અનુભવન એ જ સંસાર છે.