Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અભિનંદન સ્વામીજી
122
ક્રમિક વિકાસક્રમના માર્ગમાં પ્રવેશેલો મોક્ષાશયી મુમુક્ષુ સાધક, પ્રીતિયોગથી આરંભેલ એની નિર્વાણયાત્રામાં પરમાત્મપંથને વિલોકતો, એ માટેની પાત્રતાને વિકસાવવા જાતની શુદ્ધિ કરી રહ્યો છે. હવે તેને પરમાત્મસ્વરૂપના દર્શનની તાલાવેલી જાગી છે; તેની વ્યથાને યોગીરાજજી એમના આ ચોથા સ્તવનમાં અભિવ્યક્ત કરી રહ્યાં છે.
અભિનન્દન જિન! દરિસણ તરસિયે દરિસણ દુરલભ દેવ; મત મત ભેદે રે જો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અભિનંદન-૧
પાઠાંતરે દરિસણની જગાએ દરસણ, દુરલભની જગાએ દુર્લભ, જો જઈની જગાએ “જો તે છે. 0 શબ્દાર્થ જે ઈન્દ્રિયોને જીતી જિન બન્યા છે એવા અભિનંદન સ્વામીના દીદારની – એમને જોવાની મને તરસ-પ્યાસ-તલપ લાગી છે.
પરંતુ દેવના દર્શન થવા એટલે કે એઓશ્રીના પ્રરૂપિત તત્ત્વની રુચિરૂપ સમ્યગ્દર્શન થવું, કાંઈ સુલભ નથી. એ તો અતિ-અતિ દુરલભકઠીન છે. એ દેવના-એના દેવત્વ-દિવ્યતાની સમજ થવી મુશ્કેલ છે.
જુદા જુદા મતવાળા-જુદા જુદા ધર્મવાળાની પાસે જઈને તે માટે પૂછીએ છીએ, તો તે દરેકે દરેક-સહુ પોતાના જ મતનું સ્થાપન-સમર્થન કરે છે અને થાપ અર્થાત્ છાપ પાડે છે કે અહમેવ અર્થાત્ અમારો જ મત સાચો છે અને અમારા જ દર્શન-મતમાં સાચું-સારું ઊંચું દર્શન એટલે કે તત્ત્વ છે.
લક્ષ્યાર્થ-વિવેચનઃ કડીમાંનો “દરિસણ” એટલે કે “દર્શન’ શબ્દ અતિ મહત્વનો છે. આખાય સ્તવનની વિચારણા-રચના આ એક “દર્શન શબ્દને કેન્દ્રમાં રાખીને થઈ છે.
અધ્યાત્મ એટલે જાત તપાસ-સ્વ શોધન ! Self Introspection.