Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સંભવનાથજી
થનાર નથી એવી અપુનબંધક અવસ્થા પ્રગટ્યા પછી પહેલીથી ચોથી દૃષ્ટિમાં રહેલાં જીવોને આ ચરમ (છેલ્લું) યથાપ્રવૃત્તકરણ હોય છે. અહીં આ ભૂમિકાએ હજુ ગ્રંથિને ભેદવાનું કાર્ય થયું નથી હોતું. પરંતુ આ તબક્કે જીવ ગ્રંથિભેદન માટે ઉદ્યમી બન્યો હોય છે. સાધનાની આ ભૂમિકાએ ભય, દ્વેષ, ખેદ, આદિ દોષો ટળે છે. અધ્યાત્મ તરફની સુંદર આત્મલક્ષી દૃષ્ટિ ખીલતી અને ખૂલતી જાય છે. દોષની હાનિ થતી જાય છે અને ગુણમાં વૃદ્ધિ થતી જાય છે. દ્વાદશાંગીરૂપ પ્રવચનના રહસ્યો ખુલતા જાય છે-સમજાતા જાય છે. મત, મમત, મમતા, મતાગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ, હઠાગ્રહ, દૃષ્ટિરાગ, એકાંત માન્યતા, આદિથી મિથ્યાત્વકાલમાં દષ્ટિ જે બંધિયાર બની હતી તે દૃષ્ટિ હવે નિરાગ્રહી, વિશાળ અને ઉદાર બને છે. વસ્તુતત્ત્વ ઉપર યથાર્થ વિચાર કરવાની સૂક્ષ્મતા, તીણતા, સહિષ્ણુતા અને માધ્યસ્થતા આવે છે. દોષદષ્ટિ જાય છે અને ગુણદૃષ્ટિ આવે છે; તેથી સ્વભાવ ગુણગ્રાહી બને છે. બીજામાં દોષો તો દેખાય, ખોટાપણું પણ જણાય. છતાં તેના ઉપર કરુણાભાવ રહેવાને કારણે તેના વિચારો તરફ ઉપેક્ષાવૃત્તિ રહે છે પણ ખંડન કરાતું નથી. મહામહોપાધ્યાય યશોવિજયજીએ અમૃતવેલની સઝાયની ૨૧મી ગાથામાં જણાવ્યા મુજબના ૧) પાપ તીવ્ર ભાવે કરે નહિ ૨) ભવરાગ-સંસારનો રાગ રહે નહિ અને ૩) ઉચિતનો સેવન સ્વરૂપ ગુણલક્ષણો પ્રગટે.
પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેને નવિ ભવ રાગ રે; ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે.”
યોગદૃષ્ટિમાં અપુનબંધકના લક્ષણમાં જણાવે છે કે તે ૧) દુઃખી પ્રત્યે સાનુબંધ દયાવાળું કરુણાભીનું હૃદય ધરાવતો હોય, ૨) ગુણસંપન્ન
ભગવાનને નીરખતા નીરખતા સ્વયં ભગવાન સ્વરૂપે નિખરવું
એ જ સાચું ભગવાનને નીરખવાપણું છે.