Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ઋષભદેવજી
26
અજ્ઞાન માન્યતા છે. કોઈ કોઈનું કંઈપણ કેમ કરી શકે? એકવાર એમ પણ ધારી લઈએ કે તે સર્વશક્તિમાન છે અને જગતનો કર્તા (બ્રહ્મા), ધર્તા (વિષ્ણુ) અને હર્તા (મહેશ) છે. પછી પ્રશ્ન એ થાય કે જગતનો એવો કેવો કર્તા કે કોઈને સુખી કરે અને કોઈને દુઃખી કરે? એનું સર્જન આવું ચિત્રવિચિત્ર કેમ? કૃતિકાર તો એની કૃતિ સર્વાગ સુંદર સર્વશ્રેષ્ઠ હોય એવું જ ઈચ્છતો હોય છે અને એને માટે જ તેનો પ્રયત્ન હોય છે. એ ભગવાન એના ભક્તને કેમ કરીને દુઃખી કરી શકે અને દુઃખી જોઈ શકે ? બચાવમાં એવી પણ દલીલ થાય છે કે એ તો એના ભક્તની કસોટી કરે છે. આ દલીલની સામે પૂછવાનું મન થાય કે શું એ સર્વશક્તિમાન ભગવાન એના ભક્તના ભગવદ્ભાવ જાણતો દેખાતો નથી કે એની કસોટી કરવી પડે ? વળી જે એના ભક્ત નથી, એના અસ્તિત્વને જે માનતા જ નથી તેવા નાસ્તિકો કેમ કરીને સુખી હોય ? જો એ કર્તાધર્તા-હર્તા હોય તો એના માનનારા કરતા એને નહિ માનનારા કેમ બહુમતીમાં છે? અને જો એ કર્તા હોય તો એનો કર્તા કોણ છે? એ પિતા હોય તો પછી એનો પિતા કોણ? એનું મૂળ શું? જો એમ સમાધાન આપવામાં આવે કે એ પરમપિતા છે અને એનો કોઈ કર્તા નથી પણ તે પોતે પોતાથી સ્વયંભૂ છે, તો હવે પ્રતિપ્રશ્ન એ થાય કે એને લીલા કરવાનું કેમ મન થયું? શું એ પોતે પોતાથી કંટાળી ગયો એટલે આવી રમત માંડી. કે જેમ વર્તમાનમાં લોકો કંટાળો દૂર કરવા ગંજીફા ચીપવા બેસી જાય છે કે પછી ચેસ, કેરમ રમે છે યા તો ટી.વી., સીનેમા, નાટક જોવા જાય છે. પોતાનું જ સર્જન દુઃખી થાય, રીબાય તેની રીબામણ અને સતામણીનો શું એ ક્રૂર આનંદ માણવા ઈચ્છે છે? આ તર્કના જવાબમાં પાછો બચાવ કરે છે કે “જેવી જેની કરણી તેવી તેની ભરણી.” “વાવે તેવું લણે.” “જેવા જેના કરમ તેવા તેના જનમ, જીવન ને મરણ.” આ
ભોગવે એની ભૂલ. આપણા જ બાંધેલા કર્મોની ભૂલ આડે આવે છે અને એને ભોગવવી પડે છે.