Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અજિતનાથજી
48
હૃદયચક્ષુ-પ્રજ્ઞાચક્ષુ ખોલી આપે છે, તે દિવ્યવિચારથી મારગ જોઈ શકાય છે. એ દિવ્યવિચાર એટલે કે સમ્યજ્ઞાનના મૂળમાં સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન જ મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનરૂપે પરિણમાવે છે. સમ્યગ્દર્શનને સર્વગુણાંશ કહ્યું છે કેમકે એમાં આત્માના સર્વ સ્વરૂપગુણોનું કેવળજ્ઞાનીના જેવું જ પરંતુ અનંતગુણોના પિંડરૂપ આત્મદ્રવ્યનું આંશિક અનુભવન હોય છે. એ ભાવિમાં પૂર્ણિમાનો પૂર્ણચન્દ્રપ્રકાશ બનનાર બીજની ચંદ્રરેખા છે. આત્માના પૂર્ણગુણોની એ આંશિક અનુભૂતિ હોવાથી સ્વરૂપદર્શન કરાવડાવી સ્વરૂપદષ્ટા બનાવે છે. આવી ગ્રંથિભેદજનિત સમ્યગ્દષ્ટિ જ દિવ્યવિચાર કહેતાં સમ્યજ્ઞાનરૂપી નયન અર્થાત્ સ્વરૂપદૃષ્ટિ છે. નવ પૂર્વથી અધિક જ્ઞાન ધરાવનાર શ્રુતમહર્ષિઓ નિયમા આવી સમ્યગ્દષ્ટિ ધરાવતા હોય છે.
આવા સમ્યગ્દષ્ટિ આત્માઓ આત્મજ્ઞ હોવાથી આત્મવિચારી હોય છે, તેથી તેમના વિચાર દિવ્યવિચાર હોય છે. કહ્યું છે કે “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન.’’ એમની સવળી સાચી સમ્યગ્દષ્ટિ જ, સાચો દષ્ટિપાત કરી સાચો માર્ગ જોઈ શકે છે અને એ સ્વરૂપષ્ટષ્ટા જ સ્વરૂપમાર્ગે-મોક્ષમાર્ગે ચાલવાનો સમ્યક્ પુરુષાર્થ આદરી સ્વરૂપકર્તા બની શકે છે. મોક્ષમાર્ગ અને આત્માનંદનો પ્રારંભ જ અવિરત સમ્યગ્દષ્ટિ એવા ચોથા ગુણસ્થાનકથી છે. ગ્રંથિભેદ કરવાથી સમ્યગ્દષ્ટિના બળે જ ભેદજ્ઞાન વડે ભેદનો ભેદ કરતાં એટલે કે છેદ કરતા જઈ અભેદથી અભેદ થતાં જવાય છે. દોષનું દોષરૂપે દોષદર્શન અને ગુણનું ગુણરૂપે ગુણદર્શન કરી દોષને દૂર કરતાં જઈ ગુણની ખિલવણી કરતાં કરતાં ગુણારોહણ કરી શકાય છે. આંતરચક્ષુનું ઉદ્ઘાટન-ઉન્મિલન થયા વિના આંતરદર્શન થઈ શકતું નથી. તેથી જ તો આવા આંતરચક્ષુદાતા, સમ્યગ્દષ્ટિદાતા ગુરૂને વંદના કરી છે કે...
ઉપયોગથી ઉપયોગને પકડીને ઉપયોગમાં રહીએ તો ઉપયોગવંત થઇએ.