Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
31
હૃદય નયન નિહાળે જગધણી
આત્માનું સ્વાર્પણ કરાય છે, ત્યારે આનંદઘનપદ-પરમાત્મપદ રેખાંકિત થાય છે. અથવા તો આનંદઘન સ્વરૂપ-પરમાત્મસ્વરૂપ પ્રત્યે દોરી જતી પદરેહ-પગથાર-પગદંડીને પમાય છે.
લક્ષ્યાર્થ-વિવેચન દેવાલયમાં પ્રાણપ્રતિષ્ઠિત બિરાજમાન ઋષભ જિનેશ્વરને અને દેહાલયમાં છૂપાયેલ ચેતન આતમરામ ભગવાન આત્માને પ્રીતમ તરીકે ચાહ્યો, કંત તરીકે માન્યો અને એની સાથે પ્રતિસગાઈના સગપણે બંધાયા. એના માટે તપ તપ્યા અને એનું રંજન કરી, એની પ્રસન્નતા મેળવી મેળ બેસાડવા મથ્યા. એનું જ લક્ષ રાખી એના લશે સંસાર ક્રીડા (લીલા)થી દૂર રહી દોષરહિત થવાના અભિલાષથી ઉદ્યમી બન્યા. તો હવે આ બધાનું ફળ શું? અને એ ફળ મળ્યું કે નહિ તેનું બેરોમીટર શું? તેની વાત યોગીરાજ આનંદઘનજી સ્તવનની આ અંતિમ કડીમાં કરે છે.
પ્રભુ-પૂજા એ શુભ-ક્રિયા છે અને એમાં શુભભાવ હોય છે. એ શુભાશ્રવથી પુણ્યકર્મનો બંધ થાય છે. એ પુણ્યકર્મ ઉદયમાં આવેથી જીવને અનુકૂળ સંયોગો આપે છે. પૂજાનું આ ફળ કર્માધીન હોવાથી વાયદેથી મળતું ફળ છે. પૂજાનું ફળ તત્કાળ રોકડિયું પણ મળે છે. કવિશ્રી એ તત્કાળ મળતા ફળને જ ઈચ્છે છે. એ ફળ છે ચિત્તની સ્થિરતા, પ્રસન્નતા અને મનની શાંતતા, ઉપશાંતતા ને પ્રશાંતતા. મનની પ્રફુલ્લતા અને ચિત્તની પ્રસન્નતા થવી, એ જ પૂજા સાચી થયાની નિશાનીરૂપ બેરોમીટર છે. ચિત્ત શાંત, સ્થિર, પ્રસન્ન થાય તે જ સાચી પૂજા છે અને એમ થાય તો જ એ પૂજા અખંડિત બને છે એટલે કે ભવોભવ અવિરત ચાલનારી, ભવાત કરી, ભગવંત બનાવનારી અર્થાત્ પ્રસન્ન ચિત્ત પમાડનારી પૂજા જ બની રહે છે.
૧ થી ૪ યોગની દષ્ટિ યોગની પૂર્વભૂમિકાઓ છે. પાંચમી દષ્ટિએ રહેલ યોગી છે. છઠ્ઠી અને સાતમી દષ્ટિને પામેલ યોગેશ્વર છે અને આઠમી દૃષ્ટિ ઘરાવનાર પરમેશ્વર છે-પરમાત્મા છે.