________________
ગાથાર્થ :- નામકર્મની ધ્રુવોદય-૧૨, શરીરચતુષ્ઠ [શરીર-૩, અંગોપાંગ-૩, સં૦-૬, સં૦૬] ઉપઘાત, સાધારણ, પ્રત્યેક, ઉદ્યોત, આતા, પરાઘાત એ-૩૬ પ્રકૃતિ પુગલવિપાકી છે અને કર્મબંધ-૪ પ્રકારે છે. (૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંધ (૩) રસબંધ (૪) પ્રદેશબંધ.
વિવેચન :- જે કર્મપ્રકૃતિ પોતાનું ફળ શરીરરૂપે પરિણમેલા પુદ્ગલ પરમાણુમાં બતાવે છે, તે પુદ્ગલવિપાકી કહેવાય. જેમકે, ઔદારિકાદિ શરીરનામકર્મના ઉદયથી ગ્રહણ કરેલા ઔદારિકાદિ-પુદ્ગલસ્કંધો ઔદારિકાદિ શરીરરૂપે પરિણમે છે. અંગોપાંગનામકર્મના ઉદયથી શરીરરૂપે પરિણમેલા પુદ્ગલોમાંથી અંગોપાંગ તૈયાર થાય છે. સંઘયણ નામકર્મના ઉદયથી શરીરમાં હાડકાની વિશિષ્ટરચના થાય છે. વર્ણાદિનામકર્મના ઉદયથી શરીરરૂપે પરિણમેલા પુદ્ગલસ્કંધોમાં તે તે ચોક્કસ વર્ણાદિ ઉત્પન્ન થાય છે. સંસ્થાનનામકર્મના ઉદયથી શરીરની સમ કે વિષમ આકૃતિ થાય છે. નિર્માણનામકર્મના ઉદયથી ઔદારિકાદિ પુદ્ગલમાંથી તૈયાર થયેલા અંગોપાંગ યોગ્ય સ્થાને ગોઠવાઈ જાય છે. સ્થિરનામકર્મ હાડકા, દાંતાદિને સ્થિર રાખે છે. અસ્થિરનામકર્મ જીભ વગેરેને અસ્થિર રાખે છે. ઉપઘાત, ઉદ્યોતાદિ કર્મપ્રકૃતિઓ પણ શરીરરૂપે પરિણમેલા પુદ્ગલોમાં પોતાનો વિપાક બતાવે છે. તેથી તે દરેક પ્રકૃતિ પુદ્ગલવિપાકી છે.
શંકા - ઉનાળામાં ચંદનાદિના વિલેપનથી રતિ થાય છે અને કાંટાદિ વાગવાથી અરતિ થાય છે. એટલે રતિ-અરતિનો વિપાક પુદ્ગલને આશ્રયીને થતો હોવાથી રતિ-અરતિને પુગલવિપાકી કહો ને?
સમાધાનઃ- ચંદનાદિ પુદ્ગલના સંબંધથી જ રતિ-અરતિનો વિપાક થાય છે એવો એકાંતે નિયમ નથી કારણકે પુદ્ગલના સંબંધ વિના પણ રતિ-અરતિનો વિપાક થાય છે. જેમ કે, પ્રિયવ્યક્તિના સ્મરણથી જીવને રતિ થાય છે અને અપ્રિય વ્યક્તિના સ્મરણથી જીવને અરતિ થાય છે. એટલે રતિ-અરતિનો વિપાક પુગલના સંબંધ વિના પણ થાય છે. તેથી રતિ-અરતિનો વિપાક પુદ્ગલની સાથે વ્યભિચારી છે. માટે રતિ-અરતિને પુદ્ગલ વિપાકી ન કહેવાય.