________________
ક્ષયોપશમ કે ઉદયથી થતા આત્મદ્રવ્યના જ પરિણામો છે. માટે બધી જ ઘાતીપ્રકૃતિઓ જીવવિપાકી છે.
હવે અઘાતી પ્રકૃતિઓની વિચારણા કરીએ.
શાતા-અશાતાવેદનીય કર્મો તો જીવના સુખ-દુ:ખ પરિણામ પેદા કરનારા હોવાથી જીવવિપાકી છે એ સ્પષ્ટ જ છે.
હવે નામકર્મનો વિચાર કરીએ.
ગતિનામકર્મ : જેમ નિર્મળ સંયમ પાલન વગેરેથી થયેલી શુદ્ધિ • આત્માનો એવો પરિણામ કરે છે કે જેથી અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થઇ જાય ને જીવને અવધિજ્ઞાન પ્રાપ્ત થાય. એમ દેવગતિ-નરકગતિ નામકર્મ એવો જીવપરિણામ કરે છે કે જેથી અધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થઇ જાય. તથા દેવ-નારકગતિનામકર્મ જીવ પર એવી પણ અસર કરે છે જેથી એને વિરતિપરિણામ જાગે જ નહીં. તિર્યંચગતિનામ કર્મ એવી અસર કરે છે કે જેથી સર્વવિરતિપરિણામ જાગે નહીં. એ પરિણામ પણ જાગી શકે એવી શક્યતા મનુષ્યગતિનામકર્મના ઉદયથી ઊભી થાય છે. (અહીં જણાવી એ સિવાયની પણ, જ્ઞાનાવરણીયાદિનો અમુક પ્રકારનો-અમુક માત્રાનો જ ક્ષયોપશમ વગેરે થઇ શકે. વગેરે પણ તે તે કર્મોની જીવ પર સીધી અસર જાણવી. આવું અન્યત્ર પણ જાણવું). માટે ગતિનામકર્મ જીવવિપાકી છે.
જાતિનામકર્મ : આ કર્મ જીવના ચૈતન્ય પર અસર કરનારું હોવાથી જીવવિપાકી છે એ સ્પષ્ટ છે. એકેન્દ્રિયનામકર્મના ઉદયવાળા જીવોને અમુક માત્રાનું જ ચૈતન્ય અનાવૃત રહ્યું હોય છે. એટલે એને અનુસરીને જ એ જીવોને અમુક મર્યાદામાં જ જ્ઞાન-વીર્ય વગેરે પ્રવર્તે છે. એમ ક્રોધાદિ કષાયો પણ અમુક માત્રામાં જ પ્રવર્તી શકે છે ને તેથી એ જીવોને સ્થિતિબંધ (મિથ્યાત્વમોહનીયની અપેક્ષાએ) પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ન્યૂન એવા એક સાગરોપમથી લઇને પૂર્ણ એક સાગરોપમ સુધીની મર્યાદામાં જ થતો હોય છે. આનાથી ઓછો કે વધારે સ્થિતિબંધ થઇ શકે એવી કષાયપરિણતિ એ જીવોને આવી જ
૩૮૪