________________
અનંતાનુબંધીની વિસંયોજના'
૪થી૭ ગુણઠાણામાં રહેલા ચારેગતિના જીવો અનંતાનુબંધીની વિસંયોજના કરતી વખતે પૂર્વે કહ્યા મુજબ યથાપ્રવૃત્તાદિ-૩ કરણ કરે છે. પરંતુ અનિવૃત્તિકરણમાં અંતરકરણ કરતો નથી. પણ ઉદયાવલિકા ઉપરની સર્વે સ્થિતિનો ઉદ્ધવનાસંક્રમથી નાશ કરે છે અને ઉદયાવલિકાને તિબુકસંક્રમથી ઉદયવતી પ્રકૃતિમાં સંક્રમાવે છે અનિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી તે જીવ મોહનીયની ર૪ પ્રકૃતિની સત્તાવાળો થાય છે. દર્શનત્રિકની ઉપશમના :
મિથ્યાત્વની ઉપશમના મિથ્યાદષ્ટિજીવો અને ક્ષયોપશમસમ્યદષ્ટિજીવો કરે છે. પણ મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીયની ઉપશમના ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ જીવો જ કરે છે. એટલે કે પ્રથમ ઉપશમસમ્યકત્વ [ગ્રન્થિભેદજન્યઉપશમસમ્યકત્વ] પ્રાપ્ત કરતી વખતે મિથ્યાદષ્ટિજીવો મિથ્યાત્વની ઉપશમના કરે છે અને દ્વિતીય ઉપશમસમ્યકત્વ [શ્રેણીગત ઉપશમસમ્યકત્વ] પ્રાપ્ત કરતી વખતે ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ દર્શનત્રિકની ઉપશમના કરે છે.
પ્રથમ ઉપશમસમ્યત્વ પ્રાપ્ત કરતી વખતે મિથ્યાષ્ટિજીવ પૂર્વે કહ્યા મુજબ યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ કરે છે પણ અહીં અપૂર્વકરણમાં ગુણસંક્રમ થતો નથી અને અનિવૃત્તિકરણના ઘણા સંખ્યાતા ભાગ ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે છે. ત્યારે જીવ મિથ્યાત્વનું અંતરકરણ કરે છે. એટલે કે મિથ્યાત્વની નીચેથી એક અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિને છોડીને તેની ઉપરની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાંથી દલિકોને ઉપાડીને નીચેની અને ઉપરની સ્થિતિમાં નાંખીને તેટલી સ્થિતિને દલિક વિનાની શુદ્ધસ્થિતિ કરે છે. તે વખતે મિથ્યાત્વની સ્થિતિ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. તેમાં નીચેની સ્થિતિને “પ્રથમસ્થિતિ” કહે છે અને ઉપરની સ્થિતિને “બીજીસ્થિતિ” કહે છે અને દલિક વિનાની શુદ્ધભૂમિને “અંતર” કહે છે. મિથ્યાત્વની બીજીસ્થિતિમાંથી કેટલાક દલિકને ઉદીરણાકરણથી ખેંચીને નીચે ઉદયાવલિકામાં નાંખે છે. તે “આગાલ” કહેવાય.