________________
જ્ઞાનાવરણીયાદિમાં બંધસ્થાનાદિ :
અનાદિકાળથી માંડીને બંધવિચ્છેદસ્થાન સુધી જ્ઞાનાવરણીયકર્મની પાંચે અને અંતરાયની પાંચ પ્રકૃતિ એકીસાથે જ બંધાય છે. તેથી તે બન્ને કર્મમાં ૫ પ્રકૃતિનું એક-એક બંધસ્થાન છે.
એકજીવ એકસમયે વેદનીયકર્મની ૨ પ્રકૃતિમાંથી કોઇપણ એકજ પ્રકૃતિને બાંધે છે. તેથી વેદનીયમાં ૧ પ્રકૃતિનું ૧ બંધસ્થાન છે.
એકજીવ એકભવમાં ૪ આયુષ્યમાંથી કોઇપણ એક જ આયુષ્યને બાંધે છે. તેથી આયુષ્યમાં ૧ પ્રકૃતિનું ૧ બંધસ્થાન છે.
એકજીવ એકસમયે ગોત્રકર્મની ૨ પ્રકૃતિમાંથી કોઈપણ એક જ પ્રકૃતિને બાંધે છે. તેથી ગોત્રકર્મમાં ૧ પ્રકૃતિનું ૧ બંધસ્થાન છે.
- જ્ઞાનાવરણીયાદિ-૫ કર્મમાં બંધસ્થાન એક-એક હોવાથી અવસ્થિતબંધ એક-એક હોય છે. ભૂયસ્કારબંધ કે અલ્પતરબંધ હોતો નથી.
કોઇપણ મનુષ્ય ૧૧માં ગુણઠાણે જ્ઞાનાવરણીય, ગોત્ર, અને અંતરાયકર્મનો સર્વથા અબંધક થઇને કાલક્ષયે પડીને ૧૦મા ગુણઠાણે આવીને ફરીથી જ્ઞાનાવરણીયાદિ-૩ કર્મનો બંધ શરૂ કરે છે, ત્યારે પ્રથમસમયે જે બંધ થાય છે. તે અવક્તવ્યબંધ કહેવાય. અથવા ૧૧મા ગુણઠાણેથી ભવક્ષયે પડીને વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય છે, ત્યારે પ્રથમ સમયે જે જ્ઞાનાવરણીયાદિ-૩ કર્મનો બંધ કરે છે તે અવક્તવ્યબંધ કહેવાય.
- જ્યારે પરભવનું આયુષ્ય બંધાય છે. ત્યારે પહેલાસમયે જે બંધ થાય છે. તે અવક્તવ્યબંધ કહેવાય અને દ્વિતીયાદિસમયે અવસ્થિતબંધ થાય છે.
કોઈપણ મનુષ્ય ૧૪મા ગુણઠાણે જ વેદનીયકર્મનો સર્વથા એબંધક થાય છે. ત્યાંથી પડવાનું હોતું નથી. એટલે વેદનીયકર્મનો અવક્તવ્યબંધ ન હોય. એ રીતે, પ્રકૃતિબંધ-૪ પ્રકારે કહ્યો.
હવે પ્રકૃતિબંધના સ્વામીનું વર્ણન કરવું જોઈએ પરંતુ બંધસ્વામિત્વ નામના ત્રીજા કર્મગ્રન્થમાં કયો જીવ કેટલી પ્રકૃતિને બાંધી શકે છે? એ વિસ્તારથી કહેવાઈ ગયું છે. એટલે અહીં પ્રકૃતિબંધના સ્વામી કહ્યાં નથી.
-: પ્રકૃતિબંધ સમાપ્ત :