________________
શ્રીનવકારનું ફળ
મનરૂપી મિલન જળમાં ‘નમો અરિહંતાણં'ના જાપરૂપી કતકચૂર્ણ નિર્મલીચૂર્ણ સતત પડતું રહેવાથી તે સ્વચ્છ થતું જાય છે. મનને સ્વચ્છ કરવાની પ્રક્રિયા એ જ પ્રથમ પદના જાપનો પ્રધાન હેતુ છે. શ્રીનવકારમાં ચિત્તનું ચોંટવું એ જ મોટું ફળ છે. કહ્યું છે કે– महीयसामपि महान् महनीयो महात्मनाम् । अहो मे स्वतः स्वामी स्तुतेर्गोचरमागतः ॥
અર્થ :- અહો ! આશ્ચર્યની વાત છે કે સ્તુતિ કરતા એવા મને મોટાથી પણ મોટા અને પૂજ્યોના પણ પૂજ્ય એવા આપ સ્તુતિના વિષય બન્યા છો.
વીતરાગસ્તોત્ર–મહિમાસ્તવ શ્લો૦ ૮
जन्मवानस्मि धन्योऽस्मि कृतकृत्योऽस्मि यन्मुहुः । जातोऽस्मि त्वद्गुणग्रामरामणीयकलम्पटः ॥
અર્થ :- મારો જન્મ સફળ છે, હું પુણ્યવાન છું, હું કૃતાર્થ છું, કારણ કે મારું મન જ પ્રભુના અગણિત ગુણોના સમૂહની મનોહરતામાં વારંવાર લંપટ-લાલચુ બન્યું છે.
વીતરાગસ્તોત્રં—ભક્તિસ્તવ શ્લો૦ ૯
આ વગેરે વાક્યો શ્રીનવકારના સાચાં ફળને જણાવનારાં છે. પ્રભુમાં ચિત્ત લાગવું એ જ મોટું ફળ છે. પછીનું કાર્ય આપણે કરવાનું નથી, તેના સ્વભાવથી જ થાય છે. આપણો પુરુષાર્થ તો શ્રીનવકારના અક્ષરોમાં અને અર્થમાં આપણાં ચિત્તને પરોવવામાં છે. એક વખત ચિત્ત જો તે અક્ષરોના સ્મરણમાં અને અર્થના ધ્યાનમાં લીન થયું, તો પછી જન્મ કૃતાર્થ થઈ ગયો. આ જન્મમાં મેળવવા લાયક મળી ગયું. શ્રીઅરિહંતના નમસ્કારમાં ચિત્તનો પ્રવેશ થવો એ જ અરિહંત બનવાની પ્રક્રિયા છે.
વિવિધ ઉપમાઓ
‘નમો’રૂપી અગ્નિનો આત્મસુવર્ણની સાથે યોગ થતાં જ મલિનતા બળી જાય છે અને શુદ્ધિ, ઉજ્જવળતા વગેરે વિકસતાં જાય છે.
અથવા મન તે તામ્ર છે અને ‘નમો’ તે અગ્નિ અથવા પારસમણિ છે. અગ્નિથી મલસંકોચ અને મણિથી ઉજવલીકરણ થાય છે. તેથી બંને ઉપમાઓ સાર્થક છે.
મનરૂપી જળમાં ‘નમો’રૂપી તૈલબિંદુ પડવાથી અરિહંતભાવવડે મન વ્યાપ્ત થઈ
જાય છે.
૮૪ • ધર્મ અનુપ્રેક્ષા